________________
૧૫
શેઠની કન્યા ધન્યાની વાત કરી. સુભદ્રા શેઠાણીએ ધન્યાને ઉપાશ્રયમાં જોઈ હતી. સંસ્કારી કન્યા પોતાના પુત્ર માટે સુયોગ્ય છે એવું જાણી શેઠ-શેઠાણીએ ધન્યા નામની ખાનદાન કન્યાનું માંગું સ્વીકૃત કર્યું.
બન્ને પક્ષે લગ્નની જોરદાર તૈયારીઓ થવા લાગી. માતા-પિતાનું મન રાખવા કૃતપુણ્યને ધન્યા સાથે લગ્નસંબંધમાં જોડાવા મજબૂર બનવું પડ્યું.
લગ્નના દિવસે શુભ મુહૂર્તે કૃતપુણ્યને પીઠી ચોળવામાં આવી. તેણે કસુંબી રંગનાં વસ્ત્રો પહેર્યાં હોવાથી પ્રાતઃકાળના ઉગતા રવિની જેમ તે શોભી રહ્યો હતો. બીજી બાજુ કન્યા પક્ષમાં ધન્યાને પીઠી ચોળાઈ. તેનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું.
ધન્યાએ ‘દુલ્હન’ જેવો શણગાર સજ્યો. ધન્યાએ મોતીની સેરો કપાળેથી લઈ અંબોડામાં બાંધી, અંબોડામાં ફૂલ ગજરા ગૂંથ્યા. જડિત્ર બિંદી કપાળે લગાડી. નાકમાં નથડી પહેરી, કાનમાં અકોટા પહેર્યાં, ગળામાં હમેલને હાર અને ચોકી પહેર્યાં. રત્નજડિત પોંચી પહેરી, આંગળીએ અનુપમ મુદ્રિકા ધારણ કરી, હાથે ચુડીઓ પહેરી, કંકણ ધારણ કર્યા, કેડે ફરતું ઘૂઘરિયાળું કટિબંધ ધારણ કર્યું, પગે ઘૂઘરીવાળા ઝાંઝર પહેર્યાં, અણવટ અને વીંછીયા પહેર્યાં. સફેદ રંગનું પાનેતર પહેર્યું. બાજોઠ ઉપર બેસી અરીસામાં પોતાના અંગનું પ્રતિબિંબ નિહાળી રહી. ધન્યા આજે બેહદ ખુશ હતી. કૃતપુણ્ય જેવા જીવનસાથીને વરવાના તે રંગીન સ્વપ્ન જોઈ રહી હતી.
વરપક્ષમાં કૃતપુણ્યને મંગળ સ્નાન કરાવવામાં આવ્યું. નવયૌવના દાસીઓ કયવન્નાની સેવામાં હાજર થઈ ગઈ. તેમના હાથમાં જુદી જુદી સામગ્રીઓના થાળ હતા. એકમાં વસ્ત્રો હતાં. બીજામાં મૂલ્યવાન અલંકારો હતા. ત્રીજામાં વિવિધ પ્રકારના સત્વાર્કો હતા. એક દાસીએ કૃતપુણ્યના કેશ સુગંધી બનાવ્યા. ત્યારપછી કૃતપુણ્યએ સુંદર વસ્ત્રો પરિધાન કર્યા. કંઠમાં સાચા મોતીની માળા શોભી રહી હતી. એ સિવાય ગળામાં નવસરો મોટો હાર પહેર્યો. મસ્તકે પુષ્પની માળા સહિત જાતિવંત અશ્વની ડોક જેવો વક્ર ધમ્મિલ બાંધ્યો. કાનમાં રત્નજડિત કુંડળો ધારણ કર્યા. તે આજે દેવકુમાર જેવો શોભી રહ્યો હતો.
સુભદ્રા શેઠાણીનું માતૃહૃદય આજે આનંદ અનુભવી રહ્યું હતું. કૃતપુણ્યએ માતા-પિતાને વંદન કર્યા. શેઠ-શેઠાણીએ પુત્રને આશીર્વાદ આપ્યા. ધનેશ્વર શેઠની હવેલીની બહાર સગાસંબંધીઓ, સ્નેહીઓ વરઘોડામાં સામેલ થવા આવી પહોંચ્યા. સૌથી આગળ વાધમંડળી ગોઠવાઈ. ત્યાર પછી જાનૈયાઓ ચાલ્યા. કૃતપુણ્ય જાતિવંત અશ્વ પર આરૂઢ થયો. તેના મસ્તકે મોર પિંછાનું છત્ર ધારણ કરવામાં આવ્યું હતું. તેની પાછળ સન્નારીઓ લગ્નગીતો ગાતી ચાલી. નગરીના લોકો આ શોભાયાત્રા જોવા ઉમટયા. નગરજનો કૃતપુણ્યને જોઈ શુભ આશીર્વાદ આપતા હતા. સર્વત્ર આનંદ, ઉત્સાહ અને ઉમંગ વર્તાઈ રહ્યો હતો.
કૃતપુણ્યની શોભાયાત્રા લગ્નમંડપના દ્વાર પાસે આવીને ઊભી રહી. જાનૈયાઓનું વિધિવત સ્વાગત થયું. સૌભાગ્યવતી સ્ત્રીઓએ માંગલિક સામગ્રી વડે કૃતપુણ્યને પૂજાપો આપ્યો.