________________
૧૬
અગ્નિવાળા શરાવ-સંપૂટને પગ વડે ભાંગીને કૃતપુણ્ય માયરામાં ગયો. મંડપમાં મંગલ ગીતો ગવાતાં હતાં. અત્યંત ભવ્યતાથી કૃતપુણ્યએ ધન્યા સાથે પાણિગ્રહણ કર્યું. બન્નેએ એકબીજાને વરમાળા પહેરાવી. ચોરીમાં ચાર ફેરા ફર્યા. વરવધૂએ કંસાર ખવડાવ્યો. શ્રીદત્તશેઠે પહેરામણી કરી. પુત્રીને સારી શીખામણ આપી શેઠ-શેઠાણીએ વિદાય આપી. માતા પિતાને છોડીને જતાં ધન્યાને દુઃખની લાગણી થવી સ્વાભાવિક હતી પરંતુ સ્વામીના પ્રેમ, લાગણી અને સ્નેહના વિચારોથી તે પોતાનું દુઃખ વિસરી ગઈ. પિયુ મિલનની સુખદ ક્ષણોની સ્મૃતિમાં તે રાચી રહી. લગ્નનો પ્રસંગ ઠાઠમાઠથી ઉજવાઈ ગયો. વર-વધૂ ઘરે આવ્યા. સુભદ્રા શેઠાણીએ વર-વધૂની જોડીને પોંખી વિવાહની વિધિ સંપન્ન કરી.
ધનેશ્વર શેઠ અને સુભદ્રા શેઠાણીના દિલમાં હાશકારો થયો. કૃતપુણ્યના દિલ પર ‘અસ્થિમજ્જા’ જેવો જણાતો ધર્મરંગ હવે હળદરિયો સાબિત થયા વિના નહી રહે!’ એવી શેઠાણીને પાકી ખાતરી હતી. પરંતુ કૃતપુણ્ય માટે સેવાયેલો વિશ્વાસ ખોટો ઠર્યો. કૃતપુણ્યની આંખો ધન્યાને ‘વધૂ’ તરીકે નિરખવા તૈયાર જ ન હતી. રમણીને તે પોતાની વૈરાગ્ય વૃત્તિમાં વિઘ્નરૂપ સમજતો હતો. તે વ્યાપારની ખટપટમાં ન ઉતરતાં, ઊંચી ભાવનામાં વર્તતો હતો.
ધન્યાનો સુડોળ દેહ, નમણાં નયનો, કાળો ભમ્મર ચોટલો, પગની પાની સુધી પહોંચતા કેશ, દાડમની કળીઓ જેવી દંતપંક્તિ, અણીયાળું નાક, કોમળ અંગોપાંગ, મૃદુતાભરી વાણી, પ્રેમાળ વર્તન તેના સંસ્કારીપણાની ચાડી ખાતું હતું. ધન્યાએ કૃતપુણ્યને પોતાના સ્નેહાધીન બનાવવામાં કંઈ કચાશ રાખી ન હતી પરંતુ તેની ચેષ્ટા ક્ષારભૂમિમાં વરસતા મેઘની જેમ નિષ્ફળ થઈ. ધન્યાની કલ્પનાનો મહેલ ખંડેર બની ગયો ! પરંતુ સમજુ અને ઠરેલ ધન્યાએ પોતાના મનને ધર્મ માર્ગે ઢાળી દીધું. ધનેશ્વર શેઠ, સુભદ્રા શેઠાણી તથા ધન્યા ઇચ્છતા હતા કે કૃતપુણ્યનું વિરાગી મન સંસારના રાગ, આનંદ,ઉપભોગ તરફ વળે. એક દિવસ શેઠ-શેઠાણીએ સંકોચ દૂર કરી ધન્યાને દુઃખ ન થાય તે કારણે કૃતપુણ્યને બોલાવી કહ્યું:
“બેટા! વધૂ તરીકે ધન્યાનાં પગલાં આ ઘરમાં કરાવવા પાછળ અમારો એ જ ઈરાદો રહ્યો છે કે, તમારી લગ્ન-વેલડી પર ફળ પેદા થાય. અમારું મન રાખવા તેં લગ્ન કર્યા એનો અમને આનંદ છે. હવે અમારી એક જ ઈચ્છા છે કે તારે ત્યાં પારણું બંધાય.''
માતા-પિતાના પ્રશ્નનો ઉત્તર આપતાં કૃતપુણ્યે પોતાની ભાવના રજૂ કરી. ‘“જન્મની સાચી સાર્થકતા સંયમ છે. એ અમૃતફળ છે. મારું મન સંયમની ફળની પ્રાપ્તિ માટે ઝંખી રહ્યું છે. આપ જે ફળની અભિલાષા રાખો છો તે વિષ ફળ છે. આપ વિષફળની માંગણી કરો છો તે સાંભળીને મને અનહદ આશ્ચર્ય અને અપાર આઘાતજનક લાગે છે.''
કૃતપુણ્યના અંતરની વાત હોઠે આવી ગઈ. શેઠ-શેઠાણી સ્તબ્ધ બની ગયા. તેઓ દિશાશૂન્ય બની ગયા. પરિસ્થિતિનો સુલેહ કઈ રીતે કરવો ? મથામણના અંતે શેઠાણી એક નિર્ણય પર આવ્યા કે, કૃતપુણ્યને કાળજે લાગેલો ત્યાગનો રંગ ભૂંસી ભોગના રંગની ભાત પૂરવાની કળા એક માત્ર ગણિકા રંગસુંદરીના મહેલમાં જ છે. આપણે ત્યાં ધનની કોઈ ખામી નથી તેથી ગણિકાની પુત્રી