________________
૧૪
"काव्यशास्त्रविनोदेन् कालो गच्छति धीमताम्।' સુજ્ઞજનો કાવ્યશાસ્ત્રના વિનોદમાં જ પોતાનો સમય વ્યતીત કરે છે. આપણા કથાનાયક યૌવનવયને પામ્યા પરંતુ શૃંગારાદિ રસોને જાણતા જ ન હતા. માતા-પિતા પુત્રની વૈરાગી અવસ્થા જોઈ ભય પામ્યા. યૌવનનો મદમાતો રંગ રસવિહિન થતો જોઈ શેઠાણીને ચિંતા કોરી ખાવા લાગી. રખેને! કૃતપુણ્ય સંયમ માર્ગે ચાલી નીકળે તો...? તો તો છતે પુત્રે ‘અપુત્રિયા' બનવાનો જ વારો આવે! માતા સુભદ્રા ગંભીર બની ગયા. શેઠાણી તેનો ઉપાય શોધવા લાગ્યા. અચાનક મનમાં પુત્ર વિવાહનો ઉપાય જમ્યો.
તે જ દિવસે મોકો જોઈ સુભદ્રાએ પતિને કહ્યું, “સ્વામી ! આપણા કૃતપુણ્યએ યૌવનના ઉંબરે પગ મૂક્યો છે. સુંદર, ગુણવાન અને ખાનદાન કુળની કન્યા સાથે તેના વિવાહ કરી આપણે આપણું કર્તવ્ય પૂર્ણ કરીએ.”
પ્રિયે! તેં તો મારા જ મનની વાત કહી. હું આજે જ નગરમાં શ્રેષ્ઠ કન્યાઓની તપાસ કરાવું છું.”
“સ્વામી! હવે ઢીલ કરવા જેવી નથી. આ કૃતપુણ્ય આખો દિવસ ઘરમાં ગૂમસૂમ બેસી રહે છે. મિત્રો કે આડોશ પાડોસના સમાન વયના ભાઈબંધો સાથે વાતચીત કે રમત પણ તેણે છોડી દીધી છે. તે સદા ધર્મમાં જ પરોવાયેલો રહે છે. સંસારના આકર્ષણો તેને અપ્રિય લાગે છે. મુનિભગવંતો સાથે વાર્તાલાપ, તત્ત્વજ્ઞાન, જ્ઞાનાર્જન અને પ્રભુભક્તિમાં જ તેની વધુ અભિરુચી છે. તે સદા સત્સંગમાં રચ્યોપચ્યો રહે છે તેથી તેને લગ્નના સંબંધે બાંધવો એ જ એક શ્રેષ્ઠ ઉપાય છે, જેથી એની વૈરાગ્યવૃત્તિને ધક્કો લાગશે.”ધનેશ્વર શેઠને પત્નીની વાત યોગ્ય લાગી.
ધનેશ્વર શેઠનું નામ રાજગૃહીમાં અત્યંત લોકપ્રિય હતું અને કૃતપુણ્ય પણ સૌંદર્યવાન, સંસ્કારી અને ગુણવાન હતો. રાજગૃહી નગરીના શ્રેષ્ઠીવર્યો પણ પોતાની કન્યાનું સગપણ કૃતપુણ્યા સાથે થાય તેવું મનોમન ઈચ્છતા હતા, પરંતુ પ્રસ્તાવ મૂકશું તો ધનેશ્વર શેઠ સ્વીકારશે ખરા ?' એ વિચારે શ્રેષ્ઠીવર્યો સહેજ ખચકાટ અનુભવતા હતા.
એક સપ્તાહ પસાર થઈ ગયો. એક દિવસ ધનેશ્વર શેઠની પેઢીએ તે જ નગરના શ્રેષ્ઠીવર્ય શ્રી દત્ત શેઠ આવ્યા. થોડી ઔપચારિકવાતો કર્યા બાદ આગંતુકશેઠે કહ્યું.
શેઠજી, મારી પુત્રી ધન્યાએ યૌવનના ઉંબરે પગ મૂક્યો છે. ધન્યા સંસ્કારી, ગુણી અને ધર્મ પ્રત્યે આસ્થાવાન છે. જો આપ સહમત થાવ તો આપના પુત્ર કયવન્નાકુમાર સાથે સંબંધ કરીએ.”
હું તમને બે દિવસ પછી જણાવું તો...? કારણ કે મારે આ વાત મારી પત્નીને કરવી પડશે.”
થોડી વાતચીત કરી શ્રીદત્ત શેઠે વિદાય લીધી. ધનેશ્વર શેઠે ઘરે જઈ સુભદ્રાને શ્રીદત્તા
૧. શ્રી યતીન્દ્રવિજયજી કૃત ‘શ્રી કયવન્ના ચરિત્રમ્ (સંસ્કૃત)' તેમાં કૃતપુણ્યના સસરાનું નામ નથી. કૃતપુણ્યની પત્નીનું નામ જયશ્રી છે. (પૃ. ૧૬૨)