________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૯૩
શિક્ષણ માત્રમાં જ હોય છે, તે કાલાન્તરે શિક્ષક થાય છે અને જેનો ઉપયોગ વેપા૨કલામાં વધારે હોય છે, તે કાલાન્તરે વેપારી થાય છે. જેનો ઉપયોગ ચોરી કરવા આદિ નિંદનીય કાર્યમાં જ વધારે હોય છે, તે કાલાન્તરે ચોરી આદિ હલકાં કાર્યો કરનારો બને છે. તેની જેમ જે સાધક આત્મા વીતરાગ પરમાત્માનું ધ્યાન કરે છે, તે સાધક આત્મા વીતરાગતાનું ધ્યાન કરતો છતો કાલાન્તરે વીતરાગતાને પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
“અરિહંત પદ ધ્યાતો થકો, દ્રવ્ય-ગુણ પાય રે । ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે ।।”
જે સાધક આત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતો છતો પોતાની અને અરિહંત પરમાત્માની વચ્ચે જે ભેદ છે, તે ભેદનો છેદ કરીને પોતે અરિહંત સ્વરૂપે બને છે. જેમ ઇયળ ભ્રમરીનું ધ્યાન કરતી છતી તે ઇયળ જ ભ્રમરી બની જાય છે, તેમ આ આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે.
જે જીવો વીતરાગ પરમાત્માને છોડીને સાંસારિક દેવને ભજે છે, તે સાંસારિક દેવ રાગાદિ દોષોથી દૂષિત હોવાથી તેવા દેવનું સ્મરણભજન-કીર્તન કરનારો આ જીવ પણ તેની પ્રસન્નતાથી પ્રાપ્ત થયેલા ભોગ સુખોમાં રાગાદિ કરવા દ્વારા અને તેની અપ્રસન્નતાથી પ્રાપ્ત થયેલા દુઃખમાં શોકદિ કરવા દ્વારા અશુભ કર્મોનો બંધ જ કરે છે. તે અશુભ કર્મોના કડવા વિપાકો ભોગવવા નરક-તિર્યંચ ગતિમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે.
અને ત્યાં પણ વારંવાર દુઃખો જ સહન કરતાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન દ્વારા આ જીવ અપરિમિત સંસારમાં ભટકે છે. માટે સંસારી દેવો એવા ઉપાસ્ય નથી કે જેવા વીતરાગ દેવ ઉપાસ્ય છે. આ વાતને આપણે બરાબર સમજી લઇએ. ॥૪૫॥