________________
૬૩
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ आराधितोऽस्त्वसौ, भावस्तवेन व्रतचर्यया । तस्य पूजादिना द्रव्यस्तवेन तु सरागता ॥२९॥
ગાથાર્થ - ભાવ સ્તવન કરવા દ્વારા અને ઉત્તમ વ્રતોનું આચરણ કરવા દ્વારા આ પરમાત્માની ભાવ આરાધના થાય છે તથા તેઓની દ્રવ્યપૂજા આદિ કરવા વડે અને દ્રવ્યસ્તવન તથા સ્તુતિઓ ગાવા દ્વારા પરમાત્માની રાગપૂર્વક જે ભક્તિ થાય છે તેને દ્રવ્ય આરાધના કહેવાય છે.
વિવેચન - સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો આરંભ-સમારંભના સર્વથા ત્યાગી છે. એટલે તેઓશ્રી ભાવસ્તવન ગાવા દ્વારા અને પરમાત્માની આજ્ઞા અનુસાર મહાવ્રતોનું પાલન કરવા દ્વારા ભગવાનની આજ્ઞાના આરાધક બને છે અને શ્રાવક-શ્રાવિકા આરંભ-સમારંભના સર્વથા ત્યાગી નથી, તેથી સ્નાનાદિ કરવા પૂર્વક પરમાત્મા પ્રત્યે ઘણો ગુણાનુરાગ કરવાપૂર્વક દ્રવ્યપૂજાદિ દ્રવ્યક્રિયાનું આલંબન લેવાપૂર્વક અને દ્રવ્યસ્તવનો ગાવા દ્વારા પરમાત્માની આજ્ઞાનું આરાધન કરે છે.
સાધુ-સંતોએ ઉત્તમ નિર્મળ અને વિશુદ્ધ ચારિત્ર પાળવાથી અને શ્રાવક-શ્રાવિકાએ જિનપૂજાદિ શુભ અનુષ્ઠાનોનું આચરણ કરવા દ્વારા પ્રભુની આજ્ઞાનું પાલન અને આરાધના થાય છે. પરમાત્માની આજ્ઞાને અનુસાર વ્રતો અને મહાવ્રતોનું પાલન કરવું, નિર્મળ ચારિત્ર પાળવું એ જ પ્રભુજીની આજ્ઞાનું આરાધન છે. પ્રભુજીની આજ્ઞાનું આરાધન જ અલ્પકાળમાં મુક્તિસુખ આપે છે.
તથા જે શ્રાવક-શ્રાવિકા છે કે જેઓ ઘર ચલાવવાના આરંભસમારંભમાં જોડાયેલાં છે, તેઓ દ્રવ્યપૂજા કરવા દ્વારા પરમાત્માની પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન આચરવા વડે પરમાત્માની સાથે લયલીન થઈને ઘણાં ઘણાં કર્મો ખપાવે છે. પરમાત્મા પ્રત્યે ભક્તિરાગ એ પ્રશસ્ત રાગ હોવાથી અલ્પ માત્રામાં બંધહેતુ અને વિપુલ પ્રમાણમાં નિર્જરા હેતુ બને