________________
૩૩૬
પંચમ પ્રસ્તાવ
યોગસાર
કોણ બચાવશે. હે જીવ ! તું કંઈક વિચાર કર. આ માનવભવ આવા પ્રકારના ઉત્તમ વિચારો અને આચારો માટે જ મળે છે. તેનો તું સદુપયોગ કર, પરંતુ દુરુપયોગ ન કર અને તારા ભવને સુધારી લે. ૪૧ कन्धराबद्धपापाश्मा, भवाब्धौ यद्यधोगतः । क्व धर्मरज्जुसम्प्राप्तिः, पुनरुच्छलनाय ते ॥४२॥
ગાથાર્થ - હે જીવ ! પાપોરૂપી પત્થર બાંધ્યો છે ગળામાં જેણે એવો તું જો ભવસાગરમાં નીચે ચાલ્યો જઈશ તો ફરીથી ઉપર આવવા માટે ધર્મરૂપી રજ્જુની (દોરડાની) પ્રાપ્તિ તને ક્યાંથી થશે ? ।।૪૨।।
વિવેચન – હે જીવ ! તને આ વિચાર કરવાની તક છે કે, પાંચે ઇન્દ્રિયોના વિષયસુખમાં તું મ્હાલે છે, પણ કંઈક ચિંતન કર. હાલ વિષયોની આસક્તિના કારણે તું તારા ગળામાં ઘોર હિંસાદિ કરવાસ્વરૂપે પાપોરૂપી શીલાઓ નાખે છે, તે પાપરૂપી શીલાઓના ભારથી વધારે પ્રમાણમાં દબાયેલો એવો તું વધારે ને વધારે નીચે જઈશ અને એટલો બધો ઊંડો જ્યારે ખૂચી જઈશ ત્યારે હે જીવ ! ત્યાંથી એટલે કે ઊંડા સંસાર રૂપી કાદવમાંથી તને બહાર કોણ કાઢશે ?
આ આત્મા મહામહેનતે ઉપર ચઢે છે. પરંતુ ઉપર ચઢીને સમ્યક્ત્વાદિ ગુણોથી ભ્રષ્ટ થયેલા જીવને ઉપર ચઢવું અતિશય ઘણું જ મુશ્કેલ છે. પ્રતિપાતી પરિણામવાળા જીવને ઉપર ચઢવાના પરિણામો જલ્દી આવતા નથી. આ સંસારમાં આવા પ્રતિપાતી જીવો ઘણા જ છે અર્થાત્ અનંતા છે.
સમ્યક્ત્વથી પતન થવામાં કારણભૂત શ્રી અરિહંત પરમાત્માની આશાતના, તેઓની આજ્ઞાનો ભંગ, સદ્ગુરુની અને જૈન શાસનની ઘોર આશાતના તથા ગાઢ મિથ્યાત્વ આદિ દોષો તેમાં કારણભૂત છે.