________________
૩૩૪ પંચમ પ્રસ્તાવ
યોગસાર વિવેચન - આપણા શરીરમાં જેવો આપણો આત્મા છે, તેવો જ આત્મા સર્વ જીવોના શરીરમાં છે. જ્યાં જ્યાં જીવદ્રવ્ય હોય છે, ત્યાં ત્યાં તે તે જીવને સુખ દુઃખનું અવશ્ય સંવેદન થાય જ છે.
હે જીવ ! તું હિંસા આદિ પાપોમાં રચ્યો પચ્યો રહે છે. તેનાથી ઘણા જીવોને માનસિક અને શારીરિક પીડા ઉત્પન્ન થાય છે. જેવો તારા શરીરમાં તારો જીવ છે, તેવો જ જીવ સર્વે પણ જીવોના શરીરમાં છે. કોઈપણ જીવને પીડા કરીએ અથવા દુઃખ આપીએ તેમાં અધર્મ અને પાપ લાગે જ છે. માટે કોઈ પણ જીવને અલ્પ માત્રાએ પણ દુ:ખ આપવું તે ઉચિત નથી.
“ઉપયોગ” એ સર્વ જીવોનું લક્ષણ છે. ઉપયોગ લક્ષણથી સર્વે પણ જીવો સમાન છે. પરસ્પર ઉપકાર કરવો એ આ જીવનું કર્તવ્ય છે. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે “પરસ્પરોપગ્રહો નીવાનામ્” ઉપગ્રહ કરવો એટલે કે ઉપકાર કરવો એ આ જીવનો સ્વભાવ છે. કોઈ પણ એકેન્દ્રિયાદિ જીવોની હિંસા કરવાથી તે જીવોને જે પ્રકારની પીડા થાય છે, તેવા પ્રકારની પીડા કાળાન્તરે હિંસક જીવને પણ ભોગવવી પડે છે.
હે જીવ! તું તારા જીવનમાં મોજ-શોખ અને વિકાર-વાસનાના વ્યવહારમાં અનેક જીવોને શારીરિક અને માનસિક ત્રાસ વારંવાર આપતો જ રહે છે. તેથી પરભવમાં હે જીવ ! તારા આત્માનું શું થશે? તેનો તો કંઈક વિચાર કર. બીજા જીવો પણ જીવ છે. પીડા કોઈને પણ ગમતી નથી. જો તને જે પીડા ન ગમે તે પીડા બીજાને કેમ અપાય ? માટે અન્ય સર્વે પણ જીવોને આત્મતુલ્ય માનીને નાના-મોટા કોઈપણ જીવની હિંસાનો તું ત્યાગ કર અને સર્વે પણ જીવોનું કલ્યાણ થાય, તેવું ચિંતન-મનન કર તથા તેવા હિતકારી અને કલ્યાણકારી વચનો બોલ તથા તારી પોતાની કાયાને એવી રીતે જયણાપૂર્વક પ્રવર્તાવ કે જેથી અન્યને કોઈ પીડા ન થાય. //૪