________________
યોગસાર
પંચમ પ્રસ્તાવ
૩૩૧
આપણા દેખતાં-દેખતાં જ ચાલ્યાં જાય છે. શરીર, આયુષ્ય, સંપત્તિ, ઇન્દ્રિયસુખ, પુત્ર, પત્ની, સજ્જન, મિત્રોનો સમાગમ આદિ સર્વે પણ ભાવો સંધ્યાના રંગની જેમ ચંચળ અને અસ્થિર છે. ઘડીક વારમાં જ હતા-ન હતા થાય છે.
હે જીવ ! જે પદાર્થો સવારે-પ્રભાતવેળાએ દેખાયા હોય છે, તે પદાર્થો સાંજે દેખાતા નથી. કદાચ દેખાય તો પણ સવારે જેવા હોય છે, તેવા સાંજે હોતા નથી. માટે સંધ્યાના રંગ જેવો જ આ સંસાર છે. છતાં હે ચેતન ! આ વાત તું કેમ સમજતો નથી ? તું આ સઘળા સંબંધોને નિત્ય માનીને તારી પોતાની જાતને અજરામર માની લઈને હિંસા-જૂઠ આદિ અઢારે પ્રકારનાં પાપસ્થાનકો સેવીને ભારેકર્મી તું કેમ થાય છે ? તને આ કેમ નથી સમજાતું કે “આ જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે, કરેલાં કર્મો એકલો જ ભોગવે છે અને એકલો જ ભોગવવાનો છે” પોતાનાં કરેલાં કર્મોનું ફળ પોતે એકલો જ ભોગવે છે. હે જીવ ! નરકના ભવોમાં અને નિગોદના ભવોમાં તથા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયના ભવોમાં જે વ્યક્ત દુ:ખ તથા અવ્યક્ત દુઃખો છે, તે સઘળા દારૂણ દુ:ખો તારે એકલાને જ ભોગવવાનાં છે.
હિંસા આદિ પાપસ્થાનકોને તું હોંશે હોંશે સેવે છે, પરંતુ તેનાં ફળો ઘણાં માઠાં અને કડવા વિપાકવાળાં છે. માટે હવે કંઈક સમજ, ડાહ્યો થા. પંચેન્દ્રિયનો ભવ પામ્યો છે, તથા જૈનશાસન પામ્યો છે. ત્યારે તારી પોતાની બુદ્ધિનો તું ઉપયોગ કર. આવી તક ફરી મળવાની નથી.
આવા પ્રકારનાં પાપોનો ત્યાગ કરવો, એ જ ઉચિત માર્ગ છે. આવાં પાપોનો ત્યાગ માનવભવમાં અને સાધુ જીવનમાં જ વધારે શક્ય છે. માટે સંસાર ત્યજીને સાધુ જીવન સ્વીકારવાના વિચારવાળો થા, પાપરહિત