________________
૩૨૮
પંચમ પ્રસ્તાવ
યોગસાર
એકલો જ તું મૃત્યુ પામીશ અને ભવાંતરમાં પણ એકલો જ જઈશ, તો પછી હે મૂઢ જીવ ! પત્ની અને પુત્રાદિને ‘‘આ મારાં આ મારાં’’ એમ મમતાના ભાવપૂર્વક કેમ દેખે છે ? ।।૩૬।।
વિવેચન - બાર ભાવનાઓ પૈકી એકત્વ ભાવનાને વધારે દઢ બનાવીને મમતાનો ત્યાગ કરવા માટે પોતાના આત્માને આવા પ્રકારની શિખામણ-હિતશિક્ષા આપવી કે -
હે જીવ ! તું પરભવથી કેટલોય માર્ગ કાપીને એકલો જ આવ્યો છે. આવ્યા પછી માતાની કુક્ષિમાં ઉંધે માથે લટકીને કેટલોક સમય તું ત્યાં એકલો જ રહ્યો છે અને તે કાલે અતિશય વેદનાઓ તે એકલાએ જ સહન કરી છે તથા ગર્ભમાંથી બહાર આવવામાં પણ અનેક પ્રકારની વેદના તે એકલાએ જ સહન કરી છે.
વળી હે જીવ ! મૃત્યુકાળે પણ તારૂં પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં મરણનું અસહ્ય દુઃખ તારે એકલાને જ ભોગવવાનું હોય છે. આ બધા જ પ્રસંગે તું એકલો જ દુઃખ સહન કરે છે, તો પછી હે મૂઢ ! પતિ-પુત્ર કે પત્ની આદિ પરિવાર ઉપર આટલી બધી મમતા આ માટે કરે છે !
હે જીવ ! તું પોતાના આત્માના નિરંજન એવા શુદ્ધ સ્વરૂપનો થોડોક વિચાર તો કર. હે જીવ ! તારો પોતાનો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આદિ અનંત-અનંત ગુણોથી સદા પરિવરેલો છે અને તારો જીવ જ શાશ્વત છે. બાકીની બધી સંસારની પ્રાપ્ત થયેલી સામગ્રી જેમ કે (૧) શરીર, (૨) સંપત્તિ, (૩) સ્વજનો, અને (૪) માનપાનાદિ, સઘળી પણ વસ્તુઓ સંયોગથી જ પ્રાપ્ત થઈ છે અને અવશ્ય તે સઘળી વસ્તુઓ તારાથી છૂટી પડવાની જ છે અને અવશ્ય જવાની જ છે. તારો અને આ પરપદાર્થોનો સંયોગ, માત્ર અલ્પકાલીન જ છે, તો પછી હે જીવ ! આટલી બધી મમતા શા માટે કરવી ?