________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૨૫ આત્મકલ્યાણ ઇચ્છનારા જીવે એકાન્તવાસ અને સ્વાધ્યાયનો વધારે આગ્રહ રાખવો જોઈએ.
જંગલમાં રહેતા મુનિઓને લોકોનો સંપર્ક રહેતો નથી. લોકો ખાસ પ્રયોજન વિના જંગલમાં આવતા નથી. તેથી તેમની વાતો સાંભળવા મળતી નથી, તેથી વધારે પડતા રાગ-દ્વેષ થતા નથી. તથા તેના કારણે રાગ-દ્વેષ ઉપર ઘણો જ કન્ટ્રોલ રહે છે. મનુષ્યોનું વારંવાર આગમન જંગલમાં ન હોવાથી જંગલમાં રહેતા મુનિઓને પશુઓની જ મિત્રતા થાય છે અને પશુઓની મિત્રતામાં પશુઓ મનુષ્યોની સામે કંઈ બોલતા ન હોવાથી રાગ-દ્વેષ કે કષાયો થતા નથી. પશુઓ જો મીઠું બોલતા હોત તો રાગ થાત. પશુઓ જો કડવું અને અસત્ય બોલતા હોત તો દ્વેષ થાત, પરંતુ પશુઓ મૂક (મૌન) સ્વભાવવાળા હોવાથી રાગ-દ્વેષ થતા નથી. રાગ-દ્વેષ જ્યાં જ્યાં થાય છે, ત્યાં ત્યાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો થાય છે અને તેનાથી આ જીવ દુઃખી દુઃખી થાય છે. પશુઓની સાથે મિત્રાચારીમાં પશુઓને વાણી ન હોવાથી તેના તરફ રાગ કે દ્વેષ થતા નથી. એટલે મોહના બધા જ વિકલ્પો શાંત થઈ જાય છે.
અરણ્યવાસ કરવાથી મૃગતૃષ્ણા તુલ્ય ઇન્દ્રિયજન્ય સુખોની ઇચ્છા પણ ધીરે ધીરે વિરામ પામી જાય છે અને પૌગલિક સુખોની ઇચ્છા વિરામ પામવાથી તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં આ જીવ અતિશય મધ્યસ્થ બની જાય છે. હર્ષ-શોકાદિ વિકારો વિનાનો થઈ જાય છે.
તથા અરણ્યવાસ કરવાથી સોનાનો-રૂપાનો-ધનનો અને નવી નવી ઘરવખરીનો પરિગ્રહ ન થવાથી તેના પરિગ્રહના ત્યાગથી તે સોના-રૂપા અને ધનાદિની મમતાનો પણ ત્યાગી થાય છે અને આ જીવ અલખ નિરંજન બાવા જેવો બાહ્ય-અત્યંતર પરિગ્રહ વિનાનો બની જાય છે અને તેથી સદાકાળ પોતાના ગુણોના સુખોમાં જ કલ્કિ રાજાની જેમ સહજાનંદી-સુખી બની જાય છે.