________________
ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર
પરમાત્માના ધ્યાનમાં અત્યંત સ્થિર બનીને આત્મસ્વભાવમાં જ અતિશય મગ્ન બનીને આત્માના ગુણોના સુખના અતિશય આનંદનો એટલે કે પરમાનંદનો અનુભવ આ જીવ કરી શકે છે. જે મહાત્મા પુરુષો ઉપસર્ગ અને પરીષહોને જીતી શકે છે, તે જ મહાત્માઓ પોતાના સત્ત્વગુણના સહારાથી મોહરાજાને તથા તેના સૈનિકોને (હાસ્ય-રતિઅતિ-શોક-ભય ઇત્યાદિને) જીતીને તેના ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરીને ક્ષપકશ્રેણી પ્રારંભવા દ્વારા વૈરાગી-વીતરાગી બનીને શેષ ત્રણ કર્મોનો પણ નાશ કરીને કેવળજ્ઞાની અને કેવળદર્શની બનીને પરોપકાર કરવા દ્વારા તેરમું ગુણસ્થાનક પસાર કરીને અનુક્રમે શાશ્વત આત્મસુખ રૂપ મુક્તિપદને મેળવે છે.
૨૭૪
આટલી ઉંચી દશા પ્રાપ્ત થવામાં જો કોઈ અસાધારણ કારણ હોય તો તે સત્ત્વગુણ છે. માટે સત્ત્વગુણને જીવનમાં વિકસાવવો અને તેના દ્વારા બીજા પણ ઘણા આત્મગુણોને મેળવવા સદા પ્રયત્નશીલ રહેવું. સર્વ પણ ગુણોની પ્રાપ્તિમાં “સમતાગુણ” કારણભૂત છે. પરમાત્માશ્રી મહાવીરપ્રભુ અનેક પ્રકારના ઉપસર્ગો અને પરીષહોની સાથે સમતાભાવમાં સ્થિર રહ્યા તો કર્મોનો ઉચ્છેદ કરનારા બન્યા. માટે આ જીવનમાં સમતાગુણ લાવવા બહુ જ પ્રયત્નશીલ બનવું અને સત્ત્વશાળી થવું. ॥૪૨॥
चतुर्थः सत्त्वोपदेश नामा प्रस्तावः समाप्तः