________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૭૩ સત્ત્વ નામનો આ ગુણ આ આત્માની વીર્યશક્તિને બતાવે છે. વીર્યાચારનું વિધિપૂર્વક વિશેષ પાલન કરવાથી આ ગુણ આ જીવમાં વધારે ને વધારે પુષ્ટ થાય છે. જ્ઞાનાચારાદિ આચારોનું વિધિપૂર્વક પાલન કરવાથી આ વીર્યાચાર ગુણની વૃદ્ધિ થાય છે. જેમ જેમ વીર્યાચારનું વધારે સારું પાલન થાય છે, તેમ તેમ વીર્ય ગુણ-સત્ત્વગુણ આ જીવમાં વિકાસ પામે છે.
આ ચોથા પ્રસ્તાવમાં પોતાના જીવનમાં સત્ત્વગુણ વિકસાવવા માટે સત્ત્વગુણનું માહાભ્ય વર્ણવ્યું છે. વાસ્તવિક વિચાર કરીએ તો આપણા જીવનમાં જો સત્ત્વગુણનો વિકાસ થયો હોય તો જ માનમ્રતા-સરળતા-સમતા-શ્રદ્ધા-જ્ઞાન અને વિરતિ આદિ સર્વ ગુણો પ્રાપ્ત કરી શકાય છે.
સત્ત્વગુણથી જ ઉંચા ઉંચા ગુણો મેળવી શકાય છે. આ ગુણ વિના અનાદિકાળથી આ આત્મામાં અભ્યાસરૂપે ઘર કરીને રહેલા મિથ્યાત્વઅવિરતિ-પ્રમાદ-કષાય ઇત્યાદિ કર્મબંધના હેતુભૂત ભાવો જ ઘણું જોર કરતા હોય છે. તેનો નાશ કરવો એ આ સત્ત્વગુણ વિના શક્ય નથી. એટલે સત્ત્વગુણ કેળવ્યા વિના આ દોષોનો નાશ થતો નથી અને દોષોનો નાશ કર્યા વિના સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટ થતા નથી.
એટલું જ નહીં, પણ પ્રાપ્ત થયેલા ગુણોની રક્ષા, શુદ્ધિ અને વૃદ્ધિ પણ સત્ત્વગુણ વિના શક્ય બનતી નથી. માટે જ આ જીવનમાં જેટલો બને તેટલો આ સત્ત્વગુણ વિકસાવવો જોઈએ. સત્ત્વગુણના વિકાસથી જ સાધક આત્મામાં ધીરતા-વીરતા-ગંભીરતા અને નિશ્ચલતા ઇત્યાદિ ગુણો આવે છે. આવા પ્રકારના ગુણો પ્રગટ થવાથી આ જીવ વિષય અને કષાયોની વાસના તરફ દોડતા એવા, અને અતિશય દુર્જય ગણાતા એવા પણ મનને જીતી શકે છે.