________________
યોગસાર
૨૫૦
ચતુર્થ પ્રસ્તાવ ગાથાર્થ - જે મહાત્માઓ શાંતવૃત્તિવાળા છે, સ્પૃહા વિનાના છે. સદાકાળ આનંદમાં જ મગ્ન રહેનારા છે, એવા યોગિઓની સામે ઇન્દ્ર આદિ જીવો (ઇન્દ્ર-રાજા કે મહારાજા હોય તો પણ) રંક તુલ્ય છે, તો અન્ય જીવોની તો વાત જ શું કરવી ? ||૨૬lી.
વિવેચન - મોહદશા સંબંધી બાહ્યવૃત્તિઓ અને વિષય તથા કષાયોની વાસનાથી ઉત્પન્ન થતી અશુભ ચિત્તવૃત્તિઓ જેની શમી ગઈ છે, તેવા પ્રશાંત મુનિઓ કે જેઓ પરમ શાંતરસનું પાન કરવાથી અતિશય તૃપ્ત બનેલા છે, એવા તથા સાંસારિક સર્વભાવોથી સ્પૃહા વિનાના, અને આત્મગુણોના અનુભવ રૂપ સુખમાં જ મગ્ન બનેલા છે. તથા તેના જ કારણે ચિંતા વિનાના સદાકાળ આનંદમાં જ મસ્ત રહેનારા એવા મુનિ મહાત્માની આગળ સંસારમાં સર્વોપરી તરીકે ગણાતા ઈન્દ્ર મહારાજા તથા રાજા-મહારાજા જેવા જીવો પણ ભિખારી તુલ્ય લાગે છે.
ક્યાં નિઃસ્પૃહદશાનો આનંદ ! અને ક્યાં સ્પૃહાદશાની ગરીબાઈ? તેથી આવી સ્પૃહાવાળો જીવ સદા દુઃખી, લાચાર અને પરવશ જ હોય છે. હવે જો ઈન્દ્ર જેવા પ્રબળ પ્રતાપી પુરુષો પણ નિઃસ્પૃહ યોગીની સામે ગરીબડા છે, તો પછી બીજા શ્રીમંતો આવા યોગી મહાત્માની સામે શું હિસાબમાં ગણાય ? માટે નિઃસ્પૃહતા આ એક મોટું તત્ત્વ છે. આવું મહાપુરુષો સમજે છે અને આવા પ્રકારના નિઃસ્પૃહતા નામના ગુણના કારણે તેવા ગુણી પુરુષો કોઈની પણ અપેક્ષા રાખ્યા વિના કોઈની પણ દાસની જેમ સેવા કર્યા વિના ઉંચા મસ્તકે માનભેર જીવનારા હોય છે. આવા નિઃસ્પૃહી મહાત્માઓને ખરેખર ધન્યવાદ ઘટે છે. અને સેંકડો નમસ્કાર કરવા યોગ્ય તે મહાત્માઓ છે. //ર૬ll