________________
૨૪૨
ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર જોઈને સામે જઈને બે હાથ જોડીને દીનતાભાવપૂર્વક નીચે પ્રમાણે વચનોનું ઉચ્ચાર કરે છે. (૧) હું તમારો પુત્ર છું, (૨) તમારા આપેલા ભોજનના કોળીયા વડે જ મોટો થયો છું, (૩) હું તમારો ભાગીદાર (ભાઈ) છું, (૪) હું તમોને આશ્રિત છું, તમારા દ્વારા જ જીવન જીવનારો છું, (૫) હું તમારો ચાહક-પ્રેમપાત્ર છું. આવાં આવાં દીનતાથી ભરેલાં વચનો બોલીને દરેક મનુષ્યની સામે વારંવાર ઘણી જ ખુશામત કરે છે. તેના વડે કરાતી તે સઘળી ખુશામતને કોણ વર્ણવી શકે ? અર્થાત્ કોઈ વર્ણવી શકે નહીં. ૧૯-૨૦
વિવેચન – જે જીવો સત્ત્વગુણથી રહિત છે, તેવા જીવો પોતાના ઉદરના પોષણ માટે ઘણા પ્રકારનાં દીનતાવાળાં વચનો જેની તેની સામે બોલતા છતા દયાના પાત્ર બન્યા છતા અનુચિત સ્થાને પણ હાથ જોડતા-પગે પડતા લાચારી બતાવતા ગરીબાઈવાળાં વચનો બોલતા દેખાય છે. આવા કાયર-નિર્માલ્ય પુરુષોના મુખેથી કેવાં કેવાં વચનો નીકળે છે, તેનું ગ્રંથકારશ્રી પ્રતિપાદન કરે છે.
સત્ત્વહીન જીવને જે જે પુરુષ સામે મળે છે, તેની સામે આવાં આવાં વચનો તે સત્ત્વહીન પુરુષ બોલે છે. (૧) હું તો તમારો પુત્ર છું, (૨) તમારા જ ભોજનના કોળીયા ખાઈને મોટો થયેલો છું, (૩) હું તમારો (પુત્ર હોવાથી) તમારો ભાગીદાર છું, (૪) હું તમારો આશ્રિત (સેવક) છું, (૫) હું તમારો જ ચાહક છું. તમારા જ પ્રેમનું પાત્ર છું.
આવા આવા પ્રકારનાં દીનતાવાળાં અને ખુશામત જ કરનારાં વાક્યોનું ઉચ્ચારણ જે પુરુષ સામે મળે તેની સામે આ જીવ કરે છે. દીનતાભરી ખુશામત કરે છે. લોકોને ખુશ કરવા માટે ભાટ-ચારણની જેમ દાતાની બિરૂદાવલી અને વંશાવલી ગાય છે. “તમે તો ભામાશા જેવા દાનવીર છે, જગડુશા જેવા દયાળુ છો, હું દીન દુ:ખીયો છું, તમે