________________
૨૩૦ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર વિવેચન - પાંચ ઇન્દ્રિયોની રૂપ-રસ-ગંધસ્પર્શ અને શબ્દમાં જે આસક્તિ છે, ઇષ્ટવિષયોમાં જે રાગ અને અનિષ્ટ વિષયોમાં જે દ્વેષ છે, તેને જીતવો અત્યંત દુષ્કર છે. શાસ્ત્રોમાં આવી વાત આવે છે કે -
હાથી સ્પર્શનેન્દ્રિયમાં, માછલી રસનેન્દ્રિયમાં, ભ્રમર ધ્રાણેન્દ્રિયમાં પતંગિયું ચક્ષુરિન્દ્રિયમાં અને હરણ શ્રોત્રેન્દ્રિયમાં આસક્ત બન્યું છતું અવશ્ય મૃત્યુને પ્રાપ્ત કરે છે, તો જે જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત છે, તેની તો વાત કરવી જ શું?” (જ્ઞાનસારઅષ્ટક-૭-૭)
એટલે ઇન્દ્રિયોના વિષયો જીતવા ઘણા દુષ્કર છે. માટે જ જે અતિશય ધીર પુરુષો હોય છે, તે જ ઈન્દ્રિયોના આ વિષયોનો ત્યાગ કરે છે અને બ્રહ્મચર્યાદિ વ્રતોનું પાલન કરે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોને જીતવા માટે ત્યાગ અને તપ અતિશય પ્રબળ ઉપાયરૂપ છે.
વિષયો કરતાં પણ કષાયો જીતવા અતિશય દુષ્કર છે. જે જીવો ક્રોધ-માન-માયા-લોભ રૂપ કષાયોને આધીન થઈ જાય છે, ડગલે પગલે કષાયોના આવેશમાં આવી જાય છે, તેવા જીવો માટે કષાયો જીતવા તે પણ અતિશય દુષ્કર કાર્ય થઈ પડે છે. આવી કષાયોની પરવશતાને જીતવા માટે પ્રબળ પુરુષાર્થ કરવો જરૂરી બને છે.
વિષય અને કષાયનો વિજય કરવો ઘણો દુષ્કર છે, તો પણ તે બન્ને કરતાં પણ ઉપસર્ગ અને પરીષહોને જીતવા અતિશય વધારે દુષ્કર કાર્ય છે. ઉપસર્ગ અને પરીષહોનો સમતાભાવપૂર્વક સામનો કરી કર્મ ખપાવવાં અતિશય દુષ્કરતમ છે. ઉપસર્ગ અને પરીષહો આવે ત્યારે સત્તામાં રહેલા કષાયોની ઉદીરણા થાય છે અને વધારે જોરથી કષાયો ઉછળવાનો અવસર આવે છે. તે વખતે વીરતા અને ધીરતા ગુણ આપણામાં કેટલા છે ? તેની સાચી પરીક્ષા થાય છે.
તીર્થકર ભગવંતો દીક્ષિત થયા પછીથી કેવળજ્ઞાન પામે તે દરમ્યાન આવા અનેક પ્રકારના નાના-મોટા ઉપસર્ગ-પરીષહોને સહન