________________
યોગસાર તૃતીય પ્રસ્તાવ
૨૦૫ ક્લેશનો એક અંશ પણ કેમ સ્પર્શે ? અર્થાત આવા મુનિને ક્લેશ-કષાય સ્પર્શી શકતો નથી. // ૨૪ll
વિવેચન - સંસારમાં રહેલા સર્વે પણ જીવો અનંત જ્ઞાનાદિ ગુણોથી ભરેલા છે અને સર્વે પણ જીવો પોતાના ગુણોથી સમાન છે, અનંત ગુણોના સ્વામી છે એકસરખા છે. દરેક જીવોમાં ચેતના લક્ષણ હોવાથી સમાન છે. સર્વે પણ જીવોથી મારો આત્મા સ્વરૂપથી જુદો નથી. આવું વિચારતા મુનિ સર્વે પણ જીવોની સાથે મૈત્રી-પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવના દ્વારા અમૃતના આસ્વાદમાં અતિશય એકાકાર બને છે. તેથી રાગ અને દ્વેષ દ્વારા થતા ક્લેશોનો સ્પર્શ સુદ્ધાં પણ તેઓને થતો નથી અર્થાતુ સાધકનું ચિત્ત જયારે મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત થાય છે તથા અનિત્યાદિ ભાવનાઓ ભાવવા દ્વારા તેનાથી વાસિત-સંસ્કારિત બને છે અને આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક તત્ત્વચિંતનમાં લયલીન થાય છે, ત્યારે તે સાધક આત્માના ચિત્તમાં અશુભ ધ્યાનનો પ્રવેશ સંભવતો જ નથી.
સદાકાળ શુભધ્યાન રૂપી અમૃતરસનું જ પાન કરનારા યોગી મહાત્માને રાગ-દ્વેષનું ઝેર ચઢતું જ નથી. આ જીવ નિત્ય વૈરાગ્યભાવમાં જ વર્તનારી બની જાય છે.
એટલું જ નહીં, પરંતુ સદા સર્વત્ર સમતા સમાધિના સુખની મસ્તીમાં જ વર્તનારો બની જાય છે. આવા યોગી મહાત્માને લેશમાત્ર દુ:ખ કે સંક્લેશ કે કષાયનો સ્પર્શ પણ થતો નથી. પરંતુ આત્માને મોહનીયકર્મના ક્ષયજન્ય અથવા વિશિષ્ટ ક્ષયોપશમજન્ય ગુણોના સ્વાભાવિક સુખનો અને તેના આનંદનો જ અનુભવ થાય છે.
તે કાળની સ્વાભાવિક સુખના આનંદની ક્ષણો તો “જે અનુભવે તે જ જાણે” એવી હોય છે. શબ્દોથી તે દશા અવર્ણનીય છે. ર૪ો