________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૫૫ ગયા ભવથી આવ્યો છું અને એકલો જ ભવાંતરમાં જવાનો છું. બહારની કોઈપણ વસ્તુનો કે કોઈપણ વ્યક્તિનો હું સ્વામી નથી, કર્તા નથી, ભોક્તા નથી, પરંતુ માત્ર મારા જ્ઞાનાદિ ગુણોનો જ હું કર્તા છું અને ભોક્તા છું. કહ્યું છે કે –
"एगो हं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ ।
एवमदीनमणसो अप्पाणमणुसासइ ॥" ।
હું એકલો છું. મારું કોઈ નથી અને હું પણ અન્ય કોઈનો નથી. આ પ્રમાણે જાગૃત મનવાળા થઈને પોતાના આત્માને પ્રતિદિન સમજાવવો.
આ પ્રમાણે આ આત્મામાં રહેલ શુદ્ધ દ્રવ્ય, ગુણ અને પોતાના શુદ્ધ પર્યાયોનું ચિંતન-મનન કરવું, એ જ આત્મહિત કરનાર છે. પર જીવના હાવભાવ આદિ બાહ્યભાવોમાં અને અજીવ દ્રવ્યના વર્ણાદિ ગુણોમાં અંજાઈ જવું, મોહાંધ થવું કે આસક્ત થવું તે અહિતકારી છે.
આવા આવા વિચારો કરવાથી મન પવિત્ર થાય છે. મોહદશા પાતળી પડે છે. મોહદશાનું જોર કંઈક નરમ પડતાં મને વધારે સ્થિર-નિર્મળ અને એકાગ્ર બને છે. કોઈ પણ એક લક્ષ્ય ઉપર મનને સ્થિર કરીને તેના જ ચિંતન-મનનમાં આ મનને કેન્દ્રિત કરવું.
કોઈ પણ એક જ વસ્તુનું વાસ્તવિક હાર્દ સમજવા માટે આડીઅવળી થતી અને વિખેરાતી ચિંતન-મનન શક્તિને તેમાં ને તેમાં જ જોડવી, સ્થિર કરવી, તેને જ એકાગ્રતા કહેવાય છે.
જ્યારે મન એકાગ્ર બને છે, ત્યારે જ વધુ સક્રિય બને છે. કોઈ પણ વિષયમાં ઉંડા ઉતરવા માટે ગતિશીલ બને છે અને ત્યારે જ વસ્તુના વાસ્તવિક હાર્દને-રહસ્યને તે મન પ્રાપ્ત કરે છે. મનને