________________
યોગસાર
દ્વિતીય પ્રસ્તાવ
૧૪૫
બનવાથી ક્ષપકશ્રેણી માંડીને ઘાતિકર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને આવા ભયંકર હિંસક એવા પણ તે દઢપ્રહારી મોક્ષે જાય છે.
બીજા એક ચિલાતીપુત્ર તલવારના એક જ ઝાટકે એક કન્યાનું મસ્તક છેદીને તે મસ્તકને ધડથી અલગ કરી હાથમાં તેનું લોહી ઝરતું મસ્તક લઈને આગળ આગળ જાય છે. ત્યાં કાયોત્સર્ગમાં ઉભેલા મુનિ મહારાજને જોઈને શાંતિનો ઉપાય પૂછે છે.
મુનિ મહારાજ ‘ઉપશમ-વિવેક-સંવર” આ ત્રણ શબ્દોમાં જ શાંતિનો-સમતાનો માર્ગ જણાવે છે અને કષાયોને ત્યજીને સમતા
સ્વીકારવાનો ઉપદેશ આપે છે. મુનિ મહારાજાના તે ઉપદેશનું ચિંતનમનન કરીને કષાયોને દબાવે છે. સ્વ-પરનો ભેદ સમજે છે. પોતાનું આત્મતત્ત્વ પુદ્ગલથી સર્વથા ભિન્ન દ્રવ્ય છે. આમ સમજે છે. આ ઉપદેશ દ્વારા આત્મજાગૃતિ થાય છે અને સંવરધર્મ તથા ચારિત્રધર્મ સ્વીકારી તપધર્મ કરવા દ્વારા ઘાતિ-અઘાતિ કર્મો ખપાવી કેવલજ્ઞાન પામી મોક્ષે જાય છે. આવા હિંસક આત્માઓ પણ સમતાભાવને પામ્યા છતા સંસાર તરી ગયા છે.
શ્રેષ્ઠીપુત્ર ઇલાચીકુમાર એક નટકન્યાના રૂપમાં મોહાંધ બન્યો છતો તેને પ્રાપ્ત કરવા માટે નૃત્યકલામાં પારંગત થઈને નૃત્યનું કામ કરે છે. તેનું નૃત્ય પ્રસિદ્ધિને પામ્યું છે, તેથી એક નગરીમાં રાજા પોતે તેનું નૃત્ય જોવા માટે આવે છે, ત્યારે તે ઇલાચીકુમાર જુદા જુદા અનેક પ્રકારે નૃત્ય કરે છે અને કન્યા ગાયન ગાય છે. આ ટોળકીના નાયક પાસે ઇલાચી કુમારે આ કન્યાની માગણી કરી. નાયકે કહ્યું કે કોઈ રાજાને રીઝવી અમને ઘણું ધન કમાવી આપો તો આ કન્યા તમને આપીએ એટલે આ ઇલાચીકુમાર આ નાટકની અંદર જોવા માટે આવેલા રાજાને રીઝવવા નવા-નવા ખેલ કરે છે.