________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
તે બાળક સ્ત્રીત્વનો અનુભવ કરતો કરતો પોતાને સ્ત્રી માને છે કે પુરૂષ ? તે પોતાને પુરૂષ જ માને છે નહીં તો તેને રમેશ-સુરેશ વગેરે નામે સંબોધતા તે જવાબ કેમ આપે છે ?
૨૮
હવે એ વિચારવા જેવું છે કે ‘હું પુરૂષ જ હું સ્ત્રી નથી’ આ માન્યતા કે અનુભૂતિ ક્યાં ચાલી રહી છે ? તેની ક્રિયાઓ તો સ્ત્રી જેવી છે, ભાવ પણ સ્ત્રી જેવા છે. માટે સમાધાન એ જ છે કે તેની પુરૂષ હોવાની અનુભૂતિ કે માન્યતા, અભિપ્રાય અર્થાત્ શ્રદ્ધાના પરિણમનમાં જ ચાલી રહી છે. એ જ તે અભિપ્રાય છે, જેની દિશા ક્રિયા અને પરિણામથી ભિન્ન છે.
જો કે અભિપ્રાય પણ શ્રદ્ધા ગુણની પર્યાય હોવાથી તેને પરિણામ પણ કહેવાય છે, પરંતુ અહીં જ્ઞાન અને ચારિત્ર ગુણની પરિણતિથી ભિન્નતા બતાવવા તે પરિણામને ‘અભિપ્રાય' શબ્દથી સંબોધિત કરાયો છે.
પ્રશ્ન :- તે બાળક અભિપ્રાયમાં પોતાને પુરૂષ માનવાની સાથે-સાથે જ્ઞાનમાં પોતાને પુરૂષ જાણે છે; ત્યારે અહીં માત્ર શ્રદ્ધાની વાત કેમ કરાય છે?
ઉત્તર :- એ વાત ઠીક છે કે જાણવું અને માનવું એક સાથે થાય છે, પરંતુ જાણવામાં અન્ય વિષયો પણ જ્ઞેય બને છે; જયારે કે શ્રદ્ધાનમાં કોઇ એક વિષયમાં જ અહમ્પણુ હોય છે. અહીં પ્રકરણ પણ અભિપ્રાયનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનું છે, માટે શ્રદ્ધાની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે.
પ્રશ્ન :- જો શ્રદ્ધાનો વિષય એક જ છે તો ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્’ માં સાતેય તત્ત્વોની પ્રતીતિ કેવી રીતે કહેવામાં આવે છે ?
ઉત્તર :- આ કથન જ્ઞાનની મુખ્યતાથી કરવામાં આવે છે. દૃષ્ટિપ્રધાન કથનમાં શ્રદ્ધાનો વિષય એક અખંડ-અભેદ-સામાન્ય-નિત્ય-ત્રિકાળીજ્ઞાયકભાવ જ છે. જ્ઞાનની પ્રધાનતાથી શ્રદ્ધાના વિષયમાં ભેદ કરી તેને અનંત ગુણોનો પિંડ, ઉપયોગ લક્ષણરૂપ વગેરે પણ કહેવામાં આવે છે. અહીં વધારે વિસ્તારની આવશ્યકતા નથી, સંક્ષેપમાં એટલું જ કહેવું પુરતું છે.
...