________________
અધ્યાય
૩
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાન
આપણા જીવનમાં આ ત્રણે વસ્તુઓનું મહત્વપૂર્ણ સ્થાન છે. વાસ્તવમાં એ ત્રણેમાં જ સમગ્ર જીવન વ્યાપ્ત છે. તેમના સિવાય જીવનમાં બીજુ છે પણ શું ? જેમ એક રંગમંચ અર્થાત્ નાટકના સ્ટેજપર અનેક પડદાઓ હોય છે, બહાર કોઇ બીજુ દૃશ્ય દેખાડવામાં આવે છે તથા પડદાની અંદર કોઇ બીજા દૃશ્યની તૈયારી ચાલતી હોય છે; તેમજ આપણું જીવન પણ નાટકના સ્ટેજ જેવું છે, જેમાં આ ક્રિયા, પરિણામ અને અભિપ્રાયરૂપી ત્રણ દૃશ્યો આવતાં-જતાં રહે છે. અહિં એ દૃશ્યોને ઢાંકવાવાળા પડદાઓને પણ એજ નામથી સંબોધિત કરવું ઉચિત છે. અર્થાત્ ક્રિયારૂપી પડદા પર ક્રિયાનું દૃશ્ય ચાલતું હોય છે તથા પરિણામ અને અભિપ્રાયના પડદા પર પરિણામ અને અભિપ્રાયના દૃશ્યો રહે છે. અહીં આ ત્રણે પડદાઓનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવી રહ્યું છે.
(૧) ક્રિયારૂપી પડદો :
આપણા જીવનનો ક્રિયાવાળો પડદો થોડોક ખુલ્લો રહે છે અને થોડોક બંધ રહે છે. જે ક્રિયાઓથી લોકમાં નિંદા ન થાય, એવી ખાવાપિવાની, ધંધા-વ્યાપારાદિની ક્રિયાઓ બધા લોકો ખુલ્લા મનથી કરે છે. આ તો બધાના જીવનમાં થનારી સામાન્ય ક્રિયાઓ છે. જો કે વિષયભોગ વગેરે કેટલીક ક્રિયાઓ વ્યક્તિગતરૂપે બધા વડે કરાય છે, પરંતુ લજજાસ્પદ હોવાથી એ ક્રિયાઓ એકાન્તમાં કરવામાં આવે છે; સાર્વજનિકરૂપે નહીં.