________________
[૨૦૩૪ ભાદરવા સુદિ-૧૫, શનિવાર, તા. ૧૬-૯-૭૮. ચન્દ્રકાન્તભાઇ ચોક્સીને ત્યાં, અમદાવાદ.]
આ સ્નાત્ર મહોત્સવ ભગવાનના જન્મ વખતે શ્રી ઇન્દ્રાદિ દેવતાઓ કરે છે. આ સ્નાત્ર મહોત્સવ શ્રી અરિહંત પરમાત્માઓનો જ થાય છે. જગતનો ઉધ્ધાર કરવા જગતમાં શ્રી જૈન શાસનની સ્થાપના કરનાર જગત ઉધ્ધારક આત્માનો જન્મ થયેલો જાણી, આનંદમાં આવેલ શ્રી ઇન્દ્રાદિ દેવતાઓ તેમનો આ સ્નાત્ર મહોત્સવ કરે છે. તેમના આત્માઓ શ્રી અરિહંતના ભવથી ત્રીજા ભવમાં એવી ઉત્કૃષ્ટ કોટિની ભાવદયા કરે છે કે ‘મારું ચાલે તો જગતના સઘળાય જીવોને શાસન રસી બનાવી મુક્તિમાં પહોંચાડી દઉં.’ આ ભાવનાના બળે જ તેઓ શ્રી અરિહંત થાય છે.
આવા શ્રી અરિહંત પરમાત્માનું સ્નાત્ર ભણાવનારની ભાવના શું હોય ? શ્રી અરિહંત થવા જ ભણાવતા હોય કે સંસારના સુખ માટે ભણાવતા હોય ? સંસારના સુખ માટે ભણાવે તો તો આજ્ઞાનો ભંગ થયો કહેવાય. તે બધાની ઇચ્છા તો શ્રી અરિહંત થવાની જ હોય ને ? તેવી લાયકાત ન હોય તો સિધ્ધ થવાની તો હોય જ ને ? તે બે પદ સાધુપણું પામ્યા વિના થવાય ? સાધુપણું જ પામવું છે તેમ જો અંતરમાં હોય તે જ સાચું સ્નાત્ર ભણાવી શકે. બાકી ગમે તેવો મોટો આડંબર કરે તો ય લાભ ન થાય. ‘માડંવરો લો પૂન્યતે' લોકોત્તર શાસનમાં તો ખોટા આડંબરની કાંઇ કિંમત નથી. જો તે ભાવપૂર્વક હોય તો ભક્તિ છે અને સંસારના સુખ માટે હોય તો આડંબર છે અને સંસારમાં ભટકાવનાર છે. શ્રી અરિહંત પરમાત્માનો ઉપકાર ઉત્તમ જીવો પર થાય છે, આવા ખોટા આડંબરો કરનાર પર નહિ.
શ્રી અરિહંત પરમાત્મા કોના આત્મામાં વસે ? શ્રી અરિહંત કે શ્રી સિદ્ધ થવું હોય, તે માટે સાધું થવું હોય તેના આત્મામાં. આ ત્રણ પદ પામવાની ઇચ્છા જ ન હોય તેના આત્મામાં શ્રી અરિહંત
પરમાત્મા વસે જ નહિ. તે સાચી રીતે ભક્તિ કરી શકે જ નહિ.
મહાપુરૂષોએ આ ભક્તિનો જે પ્રકાર બતાવ્યો છે તે એટલા માટે કે, ‘તમે બધા સંસારથી - સુખથી - વિરાગી બનો, સંસારમાં રહેવું પડે તો સુખમાં આસક્તિ ન થાય તેમ જીવો તો સદ્ગતિ સુલભ બને અને મુક્તિ નજીક થાય.' તે માટે આ મહોત્સવ છે આ ભાવ હૈયામાં વસી જાય તેમ પ્રયત્ન કરો તો ઝટ કલ્યાણ થાય. સૌ આ ભાવ હૈયામાં વસાવો તે જ શુભાભિલાષા.
Page 49 of 77