________________
અત્યંતર તપને પોષનારો છે, અત્યંતર તપને નિર્મળ બનાવનારો છે.
આખા સંસારના જે સુખો અને તે સુખની સઘળી ય સામગ્રી, તેની જે ઇચ્છા, એ ઇચ્છાનો. નિરોધ એ જ મોટામાં મોટી વસ્તુ છે. એ ઇચ્છાઓનો નિરોધ કરવા માટેનું અદ્ભુત સાધન જો કોઇ હોય તો એ આપણા ભગવાનના શાસનનો બાહ્યતપ છે. જે જીવો આ વાત સમજે નહિ, જેઓના હૈયામાં આ વાત અસ્થિમજ્જા બની નથી અને ખાલી બાહ્યતપ કર્યા કરે છે અને અત્યંતર તપ પામવાનું જેમનું લક્ષ પણ નથી તેઓને આ બાહ્યતમ કાંઇ લાભ ન કરે. તેનાથી તો તેમને થોડું ઘણું પુણ્ય બંધાઇ જાય છે. પણ તે પુણ્યથી પ્રાપ્ત થયેલી સુખસામગ્રી તેને સંસારના ભૂલાવામાં નાખ્યા વગર રહે જ નહિ.
આ સંસારના સુખ અને સુખની સઘળીય સામગ્રી એવી ભૂંડામાં ભૂંડી છે કે તે આત્માના સ્વરૂપને સમજવા દેતી નથી, આત્માનું વિરૂપ શું તે જાણવા દેતી નથી, આત્માના હિતાહિતનો વિચાર જ કરવા દેતી નથી, પરલોક કે મોક્ષની યાદી જ થવા દેતી નથી. તેવા આ સંસારના સુખ અને સખની સામગ્રીની ઇચ્છાઓ મરી જાય તે માટે શ્રી જિનશાસનમાં બાહ્ય તપનો ઘણો જ મહિમા છે. તે વિના અત્યંતર તપની પ્રાપ્તિ થવાની નથી.
જેઓ ખાવાપીવાદિની મોજમજામાં પડ્યા છે, જેઓ સંસારની સુખસામગ્રીઓને મજેથી વળગી પડ્યા છે, જેઓ આત્માના હિતની ચિંતા સદંતર ભૂલી ગયા છે, જેઓ માત્ર શરીરની જ સારસંભાળમાં પડી ગયા છે તેઓ કદિ આ શાસનના અત્યંતર તપને પામી શકવાના જ નથી. આ બાહ્યતપ દ્વારા વિષયસુખ અને કષાયસુખ તરફ જેમ જેમ અભાવ થતો જાય છે તેમ તેમ જીવો અત્યંતર તપ પામતા જાય છે. એમ કરતા કરતા આ ભવને અંતે એવી દશાને પામે છે કે તેમને મનોહર મરણની પ્રાપ્તિ થાય છે, જેના પ્રતાપે પરલોક પણ એવો સુંદર બને છે કે ત્યાં પણ તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધર્મના માર્ગે વધુને વધુ આગળ વધતા જાય છે. તેના પ્રતાપે તેઓ થોડા જ ભવમાં પોતાના આત્માના સાચા સ્વરૂપને પામી જાય છે. માટે સૌ તપનો મહિમા સમજી, શક્તિ મુજબ જીવનમાં જીવી વહેલામાં વહેલા પરમપદને પામો એ જ શુભાભિલાષા.
[૨૦૩૪, ભાદરવા સુદિ-૩ ને મંગળવાર, તા. ૪-૯-૭૮.]
Page 37 of 77