________________
શ્રી જિનની આજ્ઞા મુજબ કરવામાં આવે તો તે મોહનો નાશ કયા વિના રહે નહિ. માટે જ શાસ્ત્ર કહ્યું છે કે- રાગાદિ અપાયોને નાશ કરવા માટે તપ એજ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધન છે. શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાનું આરાધન એટલે કે શ્રી જિનેશ્વરદેવોની પૂજા-ભક્તિ કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું. આત્મભાવમાં રાચવું તેજ ઊંચામાં ઊંચી કોટિનું બ્રહ્મચય છે.
શાસ્ત્ર કહે છે કે- જે જીવ ઊંચી જાતિની તપશ્ચર્યા કરે છે, નિરંતર વિધિમુજબ શ્રી જિનેશ્વર દેવોની પૂજા-ભક્તિ કરે છે, આત્મભાવમાં રમણતા કરે છે, ભગવાનની આજ્ઞાને સમજી જાય છે અને આજ્ઞા સાથે એવો ઓતપ્રોત બની જાય છે કે, જ્ઞાની કહે છે કે-તેના માટે મોક્ષ છેટે નથી.
મોક્ષે પહોંચવા માટે જીવે યોગનિરોધ કર્યો એટલે કે-ચૌદમું ગુણસ્થાનક મેળવ્યું અને એ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયા પછી એક જ સમયમાં મોક્ષે પહોંચવાનો છે. પણ યોગનો નિરોધ કરવા માટે કેવળજ્ઞાની બનવું પડે છે, કેવળજ્ઞાન પામવા માટે વીતરાગ થવું પડે, વીતરાગ થવા માટે મોહને મારવા પડે છે અને આ મોહને મારવા માટે જ શ્રી જિનેશ્વર દેવોએ ફરમાવેલ સર્વવિરતિ-દેશવિરતિ રૂપ ધર્મની આરાધના કરવાની છે.
તપ પણ મોહને મારવા માટે જ કરવાનો છે. મોહને મારવાનો ભાવ ન હોય તો તે જીવ ગમે તેટલો તપ કરે તો પણ તે સાચો તપ નથી.
આજ્ઞા મુજબ કરાતા દાન-શીલ-તપરૂપ ધર્મની આરાધનામાં મુક્તિ આપવાની શક્તિ છે. પરન્તુ જ્ઞાનિઓ કહે છે કે-જે જીવની દાન કરવાની, શીલ પાળવાની, તપ આચરવાની શક્તિ ન હોય તો તેના માટે ભાવધર્મ એ ઊંચામાં ઊંચુ સાધન છે. આજ્ઞામુજબ કરાતા ભાવધર્મમાં એવી અદ્ભૂત તાકાત છે કે દાન-શીલ-તપ ધર્મનું આચરણ કર્યા વિના પણ જીવને મોક્ષ પમાડી શકે છે. આવી રીતે ભાવધર્મને પામીને અનંતાજીવો આજ સુધીમાં મોક્ષે ગયા છે.
જે જીવોની આજ્ઞાનુસાર અનુષ્ઠાન આચરવાની શક્તિ હોવા છતાં કહે કે- હું તો ભાવથી સાધુ છું. દાનની શક્તિવાળો કહે કે-દાનની શી જરૂર છે ? તપની શક્તિવાળો કહે કે- તપની શી જરૂર છે ? શોલની શક્તિવાળો કહે કે- શીલની શી જરૂર છે ? તો શાસ્ત્ર કહે છે કે આવું કહેનારા બધા ગાઢમિથ્યાદ્રષ્ટિ છે.
શાસ્ત્રે કહ્યું છે કે- ‘ભાવ વિના કરાતું દાન-શીલ-તપ ધર્મનું આરાધન સંસાર વધારનારું છે અને ભાવપૂર્વક કરાતું દાન-શીલ-તપ ધર્મનું આરાધન મોક્ષને આપનારું છે.'
જીવની મુક્તિ ક્યાર થાય ? કોઇપણ પૌદ્ગલિક ઇચ્છા પેદા ન થાય, ઇચ્છા પેદા થાય તો તેને હાંકી મૂકવાનો અભ્યાસ કરે અને એમ કરતાં કરતાં એવી અવસ્થા આવે કે મોહજન્ય ઇચ્છા કદી પેદા થાય જ નહિ. આવી દશાને પામવા માટે જ તપ કરવાનો છે.
જે જે ભાગ્યશાલિઓએ આ તપ કર્યો છે તેનું અનુમોદન કરવા આ પ્રસંગ છે. તો જે જે ભાગ્યશાલિઓએ તપ કર્યો છે અને જેઓ તેની ઉજવણી કરી રહ્યા છે, તે બે ય જો ભાવધર્મને સમજી જાય અને જીવનમાં ઉતારવા માડે તો બેયનું કલ્યાણ થાય.
સૌ કોઇ ભાવધર્મને પામો અને આજ્ઞામુજબ અનુષ્ઠાનોનું આરાધન કરી વહેલામાં વહેલા મુક્તિપદને પામો એજ એકની એક શુભાભિલાષા.
Page 16 of 77