________________
આજે મોટેભાગે ધર્મ કરનારનો આ જ ભાવ હોય તેવું દેખાય છે. તમે લોકો બેસતું વર્ષે કે મોટા પર્વના દિવસે પાણીદાર નાળિયેર લઇને મંદિરે જાવ છો. તો તે લઇ જવાનો તમારો આશય શું છે તેમ કોઇ પૂછે તો શું જવાબ આપો ? દુઃખ ન આવે અને સુખ બન્યું રહે માટે ને ? કદાચ પરલોકને માનતા હોય તો ભવાંતર સારો ભૌતિક સુખ સામગ્રી વાળો બને માટે ને ? આજે મોટો ભાગ પરલોકને માનતો નથી અને પરલોકને માનનારા પણ મારો પરલોક ન બગડે તે રીતે જીવે છે ખરા ? હું પાપ કરું તો મારો પરલોક બગડે આ ચિંતા બધાને છે ? તમને પરલોક ક્યારે યાદ આવે છે ? દુનિયાનું ખરાબ કામ કરતી વખતે ય પરલોક યાદ આવે ખરો ? અને ખરાબ કામ કરતાં હૈયું કંપી ઊઠે એવું બને ? જે લોકો પરલોક નથી માનતા તેને તો બાજુ પર રાખો. પરન્તુ આ બધા સ્વર્ગ-નરકને માનનારા છે. પરન્તુ સ્વર્ગમાં કે નરકમાં શું કરીએ તો જવાય તેમ પૂછીએ તો કાને હાથ દેવો પડે એવી આજના મોટા ભાગની મનોદશા છે. જ્ઞાનીઓએ જે નરકના કારણો કહ્યા છે તેની આજે બોલબાલા છે. જરાક સુખી થયા એટલે કર્મદાનનાં કામ કરવા તૈયાર. જે કામ કરે તેનાં ઉધ્ધાટન થાય, બધા જેનો ભાગ છે. સારામાં સારો ગણાતો જૈન તેનો પ્રમુખ બને અને તેના વખાણ કરે, ભૂરિ ભૂરિ અનુમોદના કરે, હજારો કારખાના કરતાં થાવ તેમ ઇચ્છે. તે વખતે તેને એમ પણ ન થાય કે આ મહારંભના કામ મને નરકે લઇ જનાર છે !
આવો સુંદર તપ કરનારા અહીંથી દુર્ગતિમાં જાય તે અમને પસંદ નથી. અમારા પરિચયમાં આવેલા દુર્ગતિમાં ન જાય તેને માટે આ બધી વાત ચાલે છે.
સભામાંથી :- શ્રી કુમારપાલ મહારાજા શું યુધ્ધમાં નથી ગયા ?
ઉ :- શ્રી કુમારપાળ મહારાજા યુધ્ધ કરવા ક્યારે ગયા ? તેમને યુધ્ધ કેમ કરવું પડ્યું ? એ વાત તમે જાણો છો. શ્રી કુમારપાળ મહારાજા યુધ્ધમાં જવા માટે ઘોડા પર ચઢવા લાગ્યા.
ત્યારે પૂંજણીથી ઘોડાની પલાણ પૂંજી (ખેસથી શરીર પૂંજી) પછી ઘોડા પર બેસે છે. આ જોઇને તેમના સેનાધિપતિથી હસી જવાયું કે, આવી જીવદયા પાળનાર યુધ્ધ શી રીતે કરી શકશે ? શ્રી કુમારપાળે આ જોયું અને સેનાધિપતિનું હસવાનું કારણ સમજી ગયા. સેનાધિપતિને પાસે બોલાવી, ભાથામાંથી બાણ ખેંચી, દૂર પડેલ લોઢાની કઢાઇ પર ક્યું તો બાણ કઢાઇમાં કાણું પાડી જમીનમાં પેસી ગયું. પછી સેનાધિપતિને કહે કે- આ બળ મળ્યું છે તે નિરપરાધીને મારવા માટે મળ્યું છે ? આ જોઇ સેનાપતિ માફી માગે છે. બળવાન માણસ જેને તેને હેરાન કરે? પછી શ્રી કુમારપાળ યુધ્ધમાં ગયા છે. બંન્ને પક્ષના સૈનિકો ગોઠવાઇ ગયા છે. સામા પક્ષે શ્રી કુમારપાળનો બનેવી છે. તે શ્રી કુમારપાળની બહેન સાથે સોગઠાં રમતાં “મારી' શબ્દ બોલ્યો. શ્રી કુમારપાળનો બહેને તેમને મારી' શબ્દ ન બોલવા સમજાવ્યા. પણ આ વાત માની નહિ તેના કારણે આ યુદ્ધ થયું. શ્રી કુમારપાળના બનેવીએ જોયું કે શ્રી કુમારપાળ સામે હું જીતી શકું તેમ નથી એટલે રાતોરાત સૌનેયા વેરી આખી કુમારપાળની સેનાને ફોડી નાખી. સવારના બેય સેનાઓ યુધ્ધ માટે ભેગી થાય છે, હથિયાર ઉઠાવાનો ઓર્ડર અપાય છે, સામી સેનાના હથિયારો ઊઠે છે, શ્રી કુમારપાળની સેના એમને એમ ઊભી છે એ જોઇ શ્રી કુમારપાળ સમજી જાય છે કે કાંઇક ગરબડ થઇ છે. પોતે પટ્ટહસ્તી પર બેઠા છે, મહાવતને પૂછે છે શું બન્યું છે ? મહાવત કહે છે કે- મહારાજ ! સેના ફ્ટી ગઇ છે. એટલે કુમારપાળ પૂછે છે કે તું કેવો છે ? મહાવત કહે - મહારાજ ! હું અને આ હાથી આપના છે.
Page 11 of 77