________________
(૭) પુરૂષ વેદ મોહનીય :- સ્ત્રીને સેવવાનો અભિલાષ તે પુરૂષ વેદ કહેવાય છે. જૈન શાસનમાં વેદનો ઉદય જીવોને અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે હોય છે. લિંગાકારે જીવ પુરૂષ વેદી હોય, સ્ત્રી વેદી હોય કે નપુંસક વેદી હોય તેની ગણતરી જૈનશાસનમાં વેદના ઉદયવાળી ગણાતી નથી. ત્રણે લિંગાકારવાળા જીવોમાંથી દરેકને એક એક અંતર્મુહૂર્તે વેદ પરાવર્તમાન રૂપે હોય છે. માટે વેદની વ્યાખ્યા ત્રણેયની જ્ઞાની ભગવંતો જુદી રીતે કહે છે. પુરૂષ વેદનો ઉદય તરત જ શમી જાય છે. એટલે શાંત થાય છે માટે તેને ઘાસના અગ્નિની ઉપમા આપી છે. એ ઉદય પેદા થાય અને તરત જ શમી જાય. જેમ ઘાસ સળગે જલ્દી અને સળગીને ઓલવાઇ જાય પણ જલ્દી એની એમ સ્ત્રી સેવવાનો અભિલાષ જે જીવોને પેદા થાય તે કામ પૂર્ણ થતાં જ ત્યાં જ શમન પામી જાય છે.
આ પુરૂષ વેદ બાંધવાના ૪ કારણો કહેલા છે.
(૧) જે સ્વદ્વારા સંતોષી હોય એટલે કે જે પુરૂષને જેટલી પત્નીઓ હોય તેમાં જ તેને સંતોષ હોય પણ બીજી પોતાના સિવાયની સ્ત્રીઓને ભોગવવાની લાલસા પેદા ન થતી હોય એવા જીવો પુરૂષ વેદનો બંધ કરી શકે છે. જેમ સુદર્શન શેઠ પોતાની પત્નીમાં સંતોષી હતો તેથી તેને નિયમ હતો કે કોઇના ઘરમાં એકલા જવું નહિ. જે ઘરમાં પુરૂષ ન હોય ત્યાં તે ઘરમાં જવું નહિ અને પરસ્ત્રીને મા બહેન સમાન માની તેની સાથે તેવો વર્તાવ કરવો. આ નિયમથી પોતે મક્કમ રહી સુંદર રીતે આરાધના કરી શક્યા.
(૨) બીજા ગુણીજનોને જોઇને તેમજ બીજા સુખી જીવોને જોઇને ઇર્ષ્યા ન કરે તે પુરૂષ વેદનો બંધ કરે છે. જગતમાં સૌ જીવોને પોતે પોતાના પુણ્ય મુજબ સામગ્રી મલે છે. સૌ પોત પોતાના પુણ્ય મુજબ ભોગવે છે. કોઇના પુણ્યની ચીજ કોઇ લઇ શકતું નથી. તેમજ મારૂં પુણ્ય હશે ત્યાં સુધી એ સામગ્રી ટકશે તેને કોઇ લેનાર નથી એટલે કે મારૂં જે છે તે જવાનું નથી અને કોઇનું જે છે તે કોઇ લેનાર નથી. આટલી શ્રદ્ધા અંતરમાં પેદા થાય તો કોઇના સુખની ઇર્ષ્યા પેદા થતી નથી. આથી પુરૂષ વેદનો બંધ થાય.
(૩) કષાયોની અલ્પતા પેદા કરવી એટલે અભ્યાસ પાડતાં પાડતાં કપાયને મંદ કરવા તે પુરૂષ વેદ બાંધવાના કારણમાં છે. જે જીવોને તીવ્ર કષાય હોય તે જીવો પુરૂષ વેદ બાંધી શકતા નથી માટે છટ્ઠા ગુણસ્થાનકે રહેલા તીર્થંકર નામકર્મ નિકાચીત કરતાં શ્રી મલ્લિનાથ ભગવાનના જીવે ત્રીજા ભવે અપ્રશસ્ત માયા કષાયનો ઉપયોગ કર્યો તેના પ્રતાપે બંધાતા પુરૂષવેદના સ્થિતિ અને રસને સ્ત્રીવેદ જે બંધાયેલું સત્તામાં પડેલ છે તેમાં સંક્રમીત કરીને નિકાચીત કર્યું તેના પ્રતાપે સ્ત્રી અવતાર પામ્યા.
(૪) જૈન ધર્મનું સરલ હૃદયથી આરાધન કરતાં જીવો પુરૂષ વેદને બાંધે છે. સંસારમાં ફરતાં ફરતાં જીવો અકામ નિર્જરા દ્વારા અનંતુ પુણ્ય ભેગું કરી મનુષ્યપણું પામે. પાંચે ઇન્દ્રિયની પૂર્ણતા પામે. લાંબુ આયુષ્ય પામે. જૈનશાસન મલે તેવી સામગ્રી પામે. જૈનશાસનની આરાધના કરી શકે એવો વીર્માંતરાયનો ક્ષયોપશમ ભાવ મેળવવીને મન-વચન-કાયાથી આરાધના પણ કરે. આ બધું મલવા છતાં આરાધના કરતાં જો જીવોને સરલ સ્વભાવ પેદા ન થાય અથવા પેદા કરવાના ભાવ પણ ન થાય અને વક્રતા દૂર કરવા પ્રયત્ન ન કરે તો આરાધના કરવાં છતાં આ જીવો પુરૂષ વેદનો બંધ કરી શકતા નથી. કદાચ કરે તો સંક્રમથી સ્ત્રીવેદ રૂપે થઇ પણ જાય.
(૮) સ્ત્રીવેદ મોહનીય :- પુરૂષને સેવવાનો અભિલાષ - ઇચ્છા તે સ્ત્રીવેદ કહેવાય છે. આ સ્ત્રીવેદ બાંધવાના પાંચ કારણો કહેલા છે.
૧. પાંચે ઇન્દ્રિયના અનુકૂળ પદાર્થોમાં આસક્તિ જેટલી વધારે અથવા તેને ભોગવવાની જેટલી લોલુપતા વધારે હોય તેનાથી સ્ત્રીવેદ બંધાય છે.
Page 82 of 126