________________
કારણથી સમ્યક્ત્વ-મોહનીયના ઉદય કાળમાં મિથ્યાત્વ મોહનીયનાં દલિકો અલ્પરસવાળા થઇ થઇને ઉદયમાં આવે છે માટે આ શ્રદ્ધા સતત રહે છે. તેમાં જ્યારે જીવને એ મિથ્યાત્વ મોહનીયના અધિક રસવાળા દલિકો ઉદયમાં આવે ત્યારે જીવ સમકીતથી પડે છે માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે નિકાચીત મિથ્યાત્વના ઉદય વગર જીવો સમકીતથી પડતા નથી. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સમ્યક્ત્વ મોહનીયનો ઉદય એ ભિન્ન ચીજ છે અને તેનું કાર્ય જુદુ છે. જ્ઞાન અને દર્શનનો ઉપયોગ એ પણ ભિન્ન ચીજ છે તેનું કાર્ય જુદુ છે. મિથ્યાત્વના ઉદય કાળમાં એ જ્ઞાન દર્શનનો ઉપયોગ જીવોને અજ્ઞાન રૂપે કામ કરે છે. કારણ કે તે વખતે છોડવાલાયક પદાર્થોમાં છાડવા લાયકની બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયકમાં ગ્રહણ કરવાની બુધ્ધિ હોતી નથી પણ એનાથી વિપરીત બુધ્ધિ હોય છે. માટે અજ્ઞાન રૂપે કહેવાય છે.
એ સમ્યક્ત્વ મોહનીય કર્મનો ઉદય જઘન્યથી જીવોને એક અંતર્મુહૂર્ત રહે છે અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ સુધી સતત રહે છે. અને તે છાસઠ સાગરોપમ કાળ પૂર્ણ થયે એક અંતર્મુહૂર્ત મિશ્રમોહનીયનો ઉદય થાય પછી સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય એ પાછો ફરીથી છાસઠ સાગરોપમ સુધી રહે છે. આ રીતે મિથ્યાત્વના ઉદય વિના, મિશ્રમોહનીય વચમાં એક અંતર્મુહૂર્ત ઉદયમાં રહીને એકસો બત્રીશ સાગરોપમ સુધી સમ્યક્ત્વ મોહનીયનો ઉદય જીવોને રહી શકે છે. જો એટલા કાળમાં જીવ પુરૂષાર્થ કરીને મોક્ષે પહોંચી જાય તો તો પોતાનું કલ્યાણ થઇ જાય. પણ તે જીવો જો મોક્ષે ન જ પહોંચે તો એકસો બત્રીશ સાગરોપમ પછી અવશ્ય મિથ્યાત્વના ઉદયને પામે છે. તે મિથ્યાત્વનો ઉદય જીવોને જઘન્યથી એક અંતર્મુહૂર્ત રહી શકે અને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્તકાળ સુધી પણ રહી શકે છે. માટે જ્ઞાનનો ઉપયોગ-દર્શનનો ઉપયોગ-સમ્યક્ત્વ મોહનીયનો ઉદય વગેરે ભેગું ન કરો તેમજ ક્ષયોપશમ સમકીત જીવને અનેકવાર જાય અને આવે એવું પણ બોલો નહિ. કારણ કે જૈન સાસનમાં એવું છે જ નહિ. કોઇ જીવે સમ્યક્ત્વ પામતાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે મિથ્યાત્વ મોહનીયને વારંવાર બાંધતા વચમાં વચમાં અનેકવાર નિકાચીત રૂપે બાંધેલ હોય અને એ જીવો સમકીત પામે તો તે સમકીતના કાળમાં બંધાયેલું નિકાચીત મિથ્યાત્વ ઉદયમાં આવે ત્યારે પડે. ફરી પાછું સમકીત પામે ફરી નિકાચીત મિથ્યાત્વનો ઉદય થતાં પડે એમ કોક જીવને આશ્રયીને તે બની શકે બાકી બધાયને માટે એ વાત કહેલી નથી.
ભણેલા જ્ઞાનને સ્વાધ્યાય કરીને પરાવર્ત કરવાનું જેઓનું લક્ષ્ય નથી ધ્યેય નથી જ્યારે જરૂર પડશે ત્યારે જોઇ લઇશું એવા વિચારો ચાલતા હોય તો એવા જીવો પોતાના આત્મામાં રહેલા જ્ઞાનના ક્ષયોપશમ ભાવને મંદ કરે છે અને ઉદય ભાવ ચાલુ કરે છે. આથી જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બંધાય છે. અને જે જીવો તે પોતાના જ્ઞાનને પરાવર્તન કરતો જાય તો તે પરાવર્તનથી એવો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય કે બધું ય જ્ઞાન આવડી જાય જે ગ્રંથ લે તે ગ્રંથને વાંચતાં યાદ રહી જાય. એક ગ્રંથને સારી રીતે ભણીને પરાવર્તન કરતો જાય તો અનેક ગ્રંથોનો ક્ષયોપશમ ભાવ જીવોને પેદા થઇ શકે છે. આથી ભણેલા જ્ઞાનનો સ્વાધ્યાય તેમજ પરાવર્તન રોજ કરવું જ જોઇએ.
જ્ઞાની ભગવંતો કહે છે કે ચૌદ પૂર્વના જ્ઞાનનો અભ્યાસ પહેલા ત્રણ સંઘયણવાળા જીવો કરી શકે છે. પણ છેલ્લા ત્રણ સંઘયણવાળા જીવો કરતા નથી. અને તે અભ્યાસ કર્યા બાદ પ્રમાદને પરવશ થઇ જાય તો તે ક્ષયોપશમ ભૂલાઇને તે પ્રમાદ ઠેઠ સૂક્ષ્મ નિગોદમાં પણ લઇ જાય છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે ચૌદપૂર્વને ભણીને સૂક્ષ્મ નિગોદમાં અત્યારે અનંતા જીવો ત્યાં બેઠેલા છે. નરકગતિમાં અત્યારે અસંખ્યાતા જીવો રહેલા છે. તો આ જાણ્યા પછી ભણેલ જ્ઞાનમાં પ્રમાદ ન થઇ જાય તેની કેટલી કાળજી રાખવી પડે તે વિચારવું જોઇએ.
Page 37 of 126