________________
ઠાંસીને ભરેલા છે તેમ ગ્રહણ યોગ્ય વર્ગણાઓનાં-શરીર ગ્રહણ યોગ્ય અને અગ્રહણ યોગ્ય વર્ગણાઓનાં પુદ્ગલોની વચમાં વચમાં સ્વતંત્ર રીતે દરેક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા કૃષ્ણ લેશ્યાના-નીલ લેશ્યાના-તેજો લેશ્યાના-પદ્મ લેશ્યાના અને શુક્લ લેશ્યાના પુદ્ગલો રહેલા છે. આ પુદ્ગલોને જીવ પોતાના અધ્યવસાયથી સમયે સમયે ગ્રહણ કરે છે અને મૂકે છે. આ પુદગલો જે લેશ્યાના ગ્રહણ કરાય છે તે ગ્રહણ કરેલા પુદ્ગલો તે દ્રવ્ય લેશ્યા ગણાય છે. અને તે પુદ્ગલોથી આત્માના પરિણામ તે રૂપે બનાવવા તે ભાવ લેશ્યા ગણાય છે.
જે પુદ્ગલો વડે આત્મા લેપાય તે લેશ્યા કહેવાય. જ્યારે તે પુદ્ગલોને ગ્રહણ કરી આત્મા લેપાતો જાય છે તેની સાથે કષાય ભળે તો તે બન્નેથી જે કર્મના સ્વભાવ રૂપે પુદ્ગલો બનાવેલ છે તેમાં રસ બંધ કરતો જાય છે.
કષાયના પરિણામ જીવોને અસંખ્યાતા સમય જેટલા અંતર્મુહૂર્ત સુધી ટકી રહે છે જ્યારે લેશ્યાનો પરિણામ જીવને આઠ સમયથી અધિક રહેતો નથી એ આઠ-આઠ સમયે પોતાના અધ્યવસાયની તીવ્રતા-તીવ્રતરતા-તીવ્રતમતા-મંદતા-મંદતરતા અને મંદતમતા રૂપે થતાં જાય છે. આ કારણોથી એક કષાયની સ્થિતિ સ્થાનમાં અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશોની સંખ્યા જેટલા રસબંધના સ્થાનો તરતમતા રૂપે જીવને પ્રાપ્ત થાય છે એમ જ્ઞાની ભગવંતોએ જોયેલું છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે કર્મના પુદ્ગલા એટલે કાર્મણ વર્ગણાના પુદ્ગલોને જીવ ગ્રહણ કર્યા કરે છે તેને રોકવાની તાકાત નથી અને તે કર્મ રૂપે બનાવ્યા કરે છે અને તેમાં સ્થિતિ અને રસ પણ નાખતો જાય છે તો જીવે સાવચેત બનવાનું એમાં છે કે અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ ન બંધાઇ જાય તેની કાળજી રાખવાની છે. એટલે ગુજરાતી ભાષામાં પૂજાઓમાં જ્ઞાની ભગવંતોએ લખ્યું છે કે બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શ્યો સંતાપ. આનો અર્થ થાય છે કે બાંધેલું કર્મ ઉદયમાં આવે તો સંતાપ નહીં કરવાનો પણ નવું કર્મ તીવ્રરસે ન બંધાય તેની કાળજી રાખવાની છે. જો આટલો ઉપયોગ સતત રાખવાનો મહાવરો પડી જાય તો જીવોને જીવન જીવતા આવડે.
આ રીતે પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ બંધનું સામાન્યથી વર્ણન જોયું.
આ પ્રકૃતિ આદિ ચારેય પ્રકાર આઠ કર્મોને વિષે તથા તેના ઉત્તર ભેદો એકસો અઠ્ઠાવન ભેદોને વિષે હોય છે. એટલે કે જ્ઞાનાવરણીય કર્મ પ્રકૃતિ રૂપે-સ્થિતિ રૂપે-રસ રૂપે અને પ્રદેશ રૂપે હોય છે તેમ દરેક કર્મો અને તેના ઉત્તર ભેદો પણ એ રીતે સમજવા.
મિથ્યાત્વ મોહનીયનો ઉદય જીવને રાષ્ટ્રપતિ જેવું કામ કરે છે અને અવિરતિનો ઉદય વડાપ્રધાન જેવું કામ કરે છે.
નવી નવી ઇચ્છાઓ પેદા કરાવે (નવા નવા પદાર્થોની) તે અવિરતિ કહેવાય છે અને આવી થયેલી ઇચ્છાઓ બરાબર છે કરવા લાયક છે એવી જે માન્યતા તે મિથ્યાત્વ કહેવાય છે. કષાયની તીવ્રતા થાય એટલે મિથ્યાત્વ તેમાં મત્તુ મારે, બરાબર છે એની મહોર છાપ લગાવે. અપુનર્બંધક દશાને પ્રાપ્ત કરેલા જીવોને કષાયની તીવ્રતા ન થવાના કારણે તે જીવો ઉત્કૃષ્ટ સ્થિતિરૂપ કર્મનો બંધ કરતાં નથી.
જ્ઞાનને આવરણ કરનારા પુદ્ગલો જે આપણે ગ્રહણ કરીએ છીએ એટલે કે કાર્મણ વર્ગણાના કેટલાક પુદ્ગલોને જ્ઞાનના આવરણ કરવાના સ્વભાવવાળા બનાવીએ છીએ તે જ્ઞાનાવરણના પાંચ પ્રકાર છે.(૧) મતિ જ્ઞાનાવરણ, (૨) શ્રુત જ્ઞાનાવરણ, (૩) અવધિ જ્ઞાનાવરણ, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણ અને (૫) કેવલ જ્ઞાનાવરણ.
Page 22 of 126