________________
અનાદિ કાળથી જીવ અજ્ઞાન છે એથી અશુભ અધ્યવસાય અનાદિ કાળથી જીવને બેઠેલો છે તેથી જ્ઞાનાવરણ કર્મ બાંધે છે.
જ્યાં સુધી જીવને પોતાનો ગુણ જે ક્ષાયિક ભાવ છે તે ક્ષાયિક ભાવે જ્ઞાન પેદા ન થાય એટલે કે કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવ છદ્મસ્થ કહેવાય છે. અને તેથી ક્ષયોપશમ ભાવે જીવને જ્ઞાન રહેલું હોય છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ એટલે ક્ષાયિક ભાવના જ્ઞાનની અપેક્ષાએ ક્ષયોપશમ ભાવે રહેલું જ્ઞાન તે બધું જ અજ્ઞાન કહેવાય છે. અને જીવોને આ રીતે જે અજ્ઞાન માન્યું છે તે પહેલા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી અજ્ઞાન ગણાય છે.
જેમ જીવોને એક-એક અંતર્મુહૂર્તે ત્રણે વેદમાંથી કોઇને કોઇ વેદનો ઉદય અવશ્ય ચાલુ જ હોય છે છતાંય જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહીને તે ઉદયને નિક્ળ બનાવી શકે છે એવી જ રીતે ક્રોધાદિ કષાય ચારેયમાંથી જીવોને એક એક અંતર્મુહૂર્તે કોઇને કોઇ કષાયનો ઉદય અવશ્ય હોય છે પણ જીવો જ્ઞાનના ઉપયોગમાં સ્થિર થતાં થતાં તે ઉદયમાં રહેલા કષાયનો ઉદય નિક્ળ બનાવી ભોગવતા જાય છે આથી વિશુધ્ધ અધ્યવસાય પ્રાપ્ત થાય છે તે વિશુદ્ધ અધ્યવસાયની સ્થિરતા આવે છે અને આત્મા કષાયના ઉદયને અપ્રતિષ્ઠિત રૂપે બનાવતો જાય છે.
આ રીતે તીર્થંકર પરમાત્માના આત્માઓ છેલ્લા ભવમાં સંસારી અવસ્થામાં ચોથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનકે વધારેમાં વધારે ત્ર્યાશી લાખ પૂર્વ વરસ સુધી રહે છે તે નિકાચિત કર્મો બંધાયેલા છે માટે તેટલા કાળ સુધી રહી તે કર્મના ઉદયને ભોગવતા જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહીને તે ઉદય રૂપ કર્મોનો ઉદય નિક્ળ બનાવીને ભોગવી રહ્યા હોય છે.
આ ઉપરથી એ વિચારો કે આટલી ઉંચી કોટીની સાહ્યબી સંપત્તિમાં રહેવા છતાં કોઇ પદાર્થ પ્રત્યે રાગ થવા દીધો નથી. આ પદાર્થ મને અનુકૂળ-આ પદાર્થ મને પ્રતિકૂળ છે એવા વિચારો કોઇદિ પેદા થવા દીધા નથી. તો આ રીતે એ તીર્થંકર પરમાત્માના આત્માઓ જીવન જીવી શકે છે તો તુચ્છ પદાર્થોમાં રાગાદિ પરિણામ વગર જીવન જીવવું હોય તો અભ્યાસ પાડીએ તો જીવી શકાય કે નહિ ?
આત્મા ઉપર મોહનીય કર્મના દલિકો વધારેમાં વધારે સીત્તેર કોટાકોટી સાગરોપમ કાળ સુધી રહી શકે છે. પણ સીત્તેર કોટાકોટી સાગરોપમ સુધી જે પુદ્ગલો રહે છે તે સૌથી ઓછા હોય છે બંધાયેલા કર્મ પુદ્ગલોને, સમયે સમયે કેટલા કેટલા પુદ્ગલો ઉદયમાં આવશે તેની જીવ પોતાના અધ્યવસાયથી રચના કરે છે તેમાં પહેલા સમયે સૌથી વધારે બીજા સમયે ઓછા -એમ ઓછા ઓછાના ક્રમે ગોઠવીને તૈયારી કરે છે તેને શાસ્ત્ર પરિભાષાથી નિષેક રચના કાળ કહેવાય છે. આથી સીત્તેર કોટા કોટી સાગરોપમવાળા છેલ્લા સમયના પુદ્ગલો સૌથી ઓછા રહેલા હોય છે.
કર્મ રૂપે પરિણામ પામતાં પુદ્ગલો જે સાત કર્મ રૂપે પરિણામ પામે છે તે જ સમયે જીવ પોતાના અધ્યવસાયથી સંક્રમને યોગ્ય એટલે બીજી પ્રકૃતિ પરિણામ પામવાને યોગ્ય થોડા પુદ્ગલોનો સ્વભાવ બને તે સંક્રમ યોગ્ય કહેવાય. કેટલાક પુદ્ગલોની સ્થિતિ અને રસ વધારી શકાય એવા બનાવે તે ઉર્તના કરણ કહેવાય છે. કેટલાક પુદ્ગલોની સ્થિતિ અને રસ ઘટાડી શકાય એવી યોગ્યતાવાળા બનાવે તે અપવર્તના કરણ કહેવાય છે. કેટલાક પુદ્ગલો બલાત્કારે એટલે વિશેષ પુરૂષાર્થથી ખેંચીને ઉદયમાં જલ્દી લાવીને ભોગવી શકાય એવી યોગ્યતાવાળા બનાવે છે તે ઉદીરણા કરણ કહેવાય છે. કેટલાક પુદ્ગલોને દબાવવાની યોગ્યતાવાળા કરે તે ઉપશમના કરણ કહેવાય છે. કેટલાક પુદ્ગલોને ઉર્તના-અપવર્તના સિવાય બાકીના કરણને અયોગ્ય બનાવે તે નિઘ્ધત કરણ કહેવાય છે અને કેટલાક
Page 23 of 126