________________
આ પછી પોતાની બીજી પુત્રીને પણ તેણીએ તેજ પ્રમાણેની શીખામણ આપી અને તે બીજી પુત્રીએ પણ પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો. આથી એ બીજી પુત્રીના પતિએ પોતાની તે પાદપ્રહાર કરનારી પત્નીને કહ્યું કે
આ પ્રમાણે કરવું એ ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ માટે યોગ્ય નથી. ઇત્યાદિ કહીને એક ક્ષણ વાર સહજ રોષ કરીને પછી તે શાંત થઈ ગયો.
આ હકીકત એ બીજી પુત્રીએ પોતાની માતાને કહી અને એ સાંભળીને માતાએ તે બીજી પુત્રીને કહ્યું કે- “હે પુત્રી ! તું પણ તારા પતિના ઘરમાં તને જેમ ઠીક લાગે તેમ આનંદ કર, કારણ કે તારો પતિ પ્રસંગ પડ્યું એક ક્ષણવાર ગુસ્સે થઇને પછી આપોઆપ શાંત થઇ જશે.”
તે પછી તે માતાએ પોતાની ત્રીજી પુત્રીને પણ એવાજ પ્રકારની શિખામણ આપી. તેથી તેણીએ પણ પોતાના પતિ પ્રત્યે તેવોજ વર્તાવ કયા : આથી એ ત્રીજી પુત્રીનો પતિ તો અતિશય કોપાયમાન થઇ ગયો અને કોપાયમાન થઇને તેણે- ‘નક્કી તું અકલીન છો. એથી જ આવી રીતિએ વિશિષ્ટ લોકોમાં અનુચિત એવી ચેષ્ટાને કરે છે. આ પ્રમાણે કહીને અને ખૂબ કુટીને ઘરથી બહાર કાઢી મૂકી.
આ હકીકત ત્રીજી પુત્રીએ પોતાની માતાને કહી, એથી તેણીએ પોતાના જમાઈ પાસે જઈને કહ્યું કે‘વહુએ પ્રથમ સમાગમ સમયે વરને આ પ્રમાણે કરવું' –એવી અમારી કુલ સ્થિતિ છે. આ પ્રમાણે સમજાવીને જમાઈને મુશીબતે શાંત કર્યો અને પોતાની પુત્રીને કહ્યું કે- હે પુત્રી ! તારો પતિ દુઃખે કરીને આરાધવા યોગ્ય છે, માટે તારે તારા પતિની અપ્રમત્તપણે પરમદેવતાની માફક આરાધના કરવી.”
આ દ્રષ્ટાંત ઉપરથી સમજી શકાય તેમ છે કે સંસારમાં પણ સાચો પુરૂષ તે છે કે-જે વિષયને આધીન થઇને વિષયની સામગ્રીનો ગુલામ ન બની જાય. વિષયની સામગ્રીના ગુલામો કોઇ પણ કાળે સ્વપરનું હિત સાધી નથી શકતા.
સૂત્રકાર મહર્ષિ શ્રીસુધર્માસ્વામીજી મહારાજા અને ટીકાકાર-મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી રહ્યા છે કે- ‘કર્મથી ભારે બનેલા જીવો ધર્મને આચરવા યોગ્ય છતાં વિષયાસક્તિને લઇને એમના પર ગમે તેટલી આપત્તિ આવે તો પણ સકલ દુઃખના સ્થાનરૂપ ગૃહસ્થાવાસને છોડી શકતા નથી.” આપણે જોઇ શકીએ છીએ કે-વિષયાસક્ત આત્માઓ અશુભોદયના યોગે આપત્તિ આવે તો રૂએ, ચીસો પાડે, બૂમો મારે, સ્નેહિસંબંધીઓની સલાહ લેવી પડે તો દેવ-ગુરૂ અને ધર્મને પણ સાંભળે, પણ આ બધુ ત્યાંથી ખસવા માટે નહિ, પણ ત્યાં જ રહેવા માટે ! આપત્તિ ટળે અને સન્માર્ગે જાઉં, એ ભાવનાએ સાંભળતા હોય અગર આ બધું કરતા હોય તો ઠીક પણ આપત્તિ ટળે અને હું તો અહીં જ રહું, એ ભાવનાએજ એ જીવો દેવ-ગુરૂ અને ધર્મને પણ સાંભળે છે, વિલાપ કરે, દુઃખની બૂમો પાડે એ બધું સાચું, પણ તે સંસારથી છૂટવા માટે નહિ પણ રહેવા માટે વિષયને યોગે આવેલી આપત્તિને આપત્તિ માને અને દીનતા એટલી બધી કરે કે-ન પૂછો વાત. એ દીનતાનો પાર પણ નહિ અને દીનતામાં આવીને તે એમ પણ બોલે કે-મારા માથે આવા દેવ, આવા ગુરૂ અને આવો ધર્મ છતાંય આવી આફત ! પણ એમાંએ આશય તો એ જ કે-આફત ટળે અને આનંદથી અહીં
Page 149 of 234