________________
(૬) છેવહૂ સંઘયણ :- જે સંઘયણના ઉદયથી જીવોનાં શરીરને વિષે હાડકાની રચના સાંધા વગેરે એક બીજાને અડાડીને અર્થાત્ અડીને રહેલા હોય છે એના કારણે જરાક ખેંચવામાં આવે તો તરત જ ઉતરી જાય છે. સોજો ચઢી જાય છે. આથી આ સંઘયણને સેવા આપો એટલે વારંવાર સેવા કરાવો માલીશ. કરાવો ત્યારે આ સંઘયણનું બળ કામ આપે એ સેવાર્ય સંઘયણ અથવા છેવહુ સંઘયણ કહેવાય છે. આ છેલ્લા ત્રણ સંઘયણોનો ઉદયકાળ સાતમાં ગુણસ્થાનક સુધી જ હોય છે એટલે કે આ સંઘયણ વાળા જીવોને સાતમાં ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકોનો પરિણામ આવતો નથી. અત્યારે આ પાંચમા આરામાં જન્મેલા જીવોને આ છેલ્લા સંઘયણનો જ ઉદય હોય છે. આથી અહીં જન્મેલા જીવોને કદાચ દેવતાઓ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી ભગવાન પાસે મુકે તો પણ આ જીવોને સાતમાં ગુણસ્થાનકથી આગળનો પરિણામ પેદા ન થાય એટલે કેવલજ્ઞાન પામી શકે નહિ. પણ આ સંઘયણ કાળમાં જેટલું બળ હોય જેટલી શક્તિ હોય તે મુજબ જો આરાધના કરવામાં આવે તો એકાગ્ર ચિત્તે એવી આરાધના કરી શકે છે કે અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ કેવલજ્ઞાન પામી શકે એવી આરાધના કરી શકે છે.
૪. સંજ્ઞા દ્વાર
સંજ્ઞા = ઇચ્છા, અભિલાષ. શરીરને સુખાકારી જે જે પદાર્થો જોઇતા હોય તે પદાર્થોનો અભિલાષ-ઇરછાઓ અંતરમાં પેદા થયા કરે તે સંજ્ઞા કહેવાય છે. ઇચ્છા મોહનીય કર્મના ઉદયથી પેદા થાય છે અને પદાર્થોનો અભિલાષ સંજ્ઞાથી થાય છે. જેમકે ભૂખ લાગે એ અશાતા વેદનીયનો ઉદય કહેવાય છે. એ ભૂખ શમાવવા માટે ખાવાની ઇરછા થાય-પદાર્થોની ઇરછા થાય-પણ આ પદાર્થો મલે તો જ ખાવું-આવા પદાર્થો મળે તો સારૂં એ મોહનીય કર્મના ઉદયથી જીવને ઇચ્છા થાય છે જ્યારે ભૂખ શમાવવા માટે જે મળે તે ચાલે. ભૂખને શમાવવી છે આ અભિલાષના કારણે ખાવાના પદાર્થ જે મળે તે ચાલશે અને ભૂખ શમાશે એ સંજ્ઞા તરીકે ગણાય છે. આથી મોહનીયને આધીન થઇને સંજ્ઞા જે પોષાય તે સંજ્ઞા જીવને સંસારની વૃદ્ધિનું એટલે જન્મ મરણનું કારણ થાય છે. જ્યારે જે મલે તેમાં ચલાવવું એવી જે વિચારણા અને જીવન જીવવું એમાં મોહનીય કર્મની પુષ્ટિ થતી નથી માટે તે સંજ્ઞા રૂપે ગણાતી નથી આથી જ્ઞાની ભગવંતો કહે છે કે સંજ્ઞાઓનાં સંયમ વગર જીવોને અપુર્નબંધક દશાનો પરિણામ પેદા થઇ શકતો નથી. આથી સંજ્ઞાને આધીન થઇને જીવો જીવતાં હોય ત્યાં સુધી આત્મિક ગુણોની પ્રાપ્તિ થતી નથી અને પ્રાપ્ત થયેલા ગુણો ટકતા નથી. માટે જ જ્ઞાનીઓએ સંજ્ઞાના સંયમ ઉપર ખુબ જ ભાર મુકેલો છે. આ સંજ્ઞાઓ જીવોને અનેક પ્રકારના વિચારોનો અભિલાષ (ઇચ્છાઓ) પેદા કરાવ્યા કરે છે તે વિચારોને સ્કુલ દ્રષ્ટિથી જ્ઞાનીઓએ ચાર પ્રકાર-છ પ્રકાર દશ પ્રકાર અને સોળ પ્રકાર પણ કહેલા છે. સંજ્ઞાના ૪ પ્રકારો. (૧) આહાર, (૨) ભય, (3) મેથુન, (૪) પરિગ્રહ. આ ચાર સંજ્ઞાઓ કહેલી છે. આ ચારની સાથે લોકસંજ્ઞા અને ઓઘ સંજ્ઞા ઉમેરતાં સંજ્ઞાના છ ભેદો થાય છે.
દશ પ્રકારની સંજ્ઞાઓ - (૧) આહાર, (૨) ભય, (૩) મેથુન, (૪) પરિગ્રહ, (૫) ક્રોધ, (૬) માન, (9) માયા, (૮) લોભ, (૯) લોકસંજ્ઞા અને (૧૦) ઓઘ સંજ્ઞા. એમ દશ ભેદો થાય છે. એવી જ રીતે સોળ ભેદોને વિષે આ ૧૦ અને સાથે હાસ્ય-રતિ-અરતિ-શોક-મોહસંજ્ઞા અને જુગુપ્સા (વિચિકિત્સા) એમ સોળ ભેદો થાય છે.
અપુર્નબંધક દશાને પામેલો જીવ જેમ જેમ સંજ્ઞાઓનો સંયમ કરતો જાય તેમ તેમ ગ્રંથીભેદની નજીક પહોંચતો જાય છે અને એ સંજ્ઞાઓના સંયમથી જીવને ઇન્દ્રિયોનો સંયમ થતાં અવિરતિનું જીવન ખટકે છે
Page 19 of 161