________________
આત્માઓ દેશવિરતિ જોગા પરિણામોને પામે છે, એવા આત્માઓનો જે શ્રાવકધર્મ, તે સંબંધી જ આ વિંશિકા છે. આથી બીજી ગાથામાં શાસ્ત્રકાર પરમર્ષીએ દેશવિરતિ આત્માઓનાં લક્ષણોનું વર્ણન કર્યું છે. શાસ્ત્રકાર પરમર્ષિ માવે છે કે-દેશચારિત્રી એટલે દેશવિરતિપણાને પામેલો આત્મા માર્ગાનુસારી હોય છે, શ્રાદ્ધ હોય છે, પ્રજ્ઞાપનીય હોય છે, ક્રિયાપર હોય છે, ગુણરાગી હોય છે અને શકયારંભસંગત હોય છે.
સ. દેશવિરતિધર તો બાર વ્રતધારીને કહેવાય ને ?
પાંચ અણુવ્રતાદિ બારે ય વ્રતોવાળાને જ દેશવિરતિધર કહેવાય, એવો નિયમ નથી. બાર વ્રતધારિને દેશવિરતધર અવશ્ય કહેવાય, પણ દેશવિરતિધર બાર વ્રતધારી જ હોય પણ એમ કહી શકાય નહિ. કોઇક બાર, કોઇક અગિયાર, કોઇક દશ, કોઇક નવ અને એમ કોઇક એક આદિ વ્રતને પણ ગ્રહણ કરેલ હોય.
સ, એટલે દેશવિરતિની વાતમાં અણુવ્રતાદિની વાત જ હોય ને ? એમાં આ લક્ષણોની વાત ક્યાંથી હોય ?
દેશવિરતિધર આત્માઓમાં અણુવ્રતાદિ બાર વ્રતો પૈકી બારેય અથવા એકાદિ વધુ-ઓછાં વ્રતો હોઇ શકે છે, પરન્તુ દેશવિરતિધર એવા બધા જ આત્માઓની સર્વસામાન્ય જેવી દશા કેવી. હોય છે, તેનું શાસ્ત્રકાર પરમર્ષિએ આ લક્ષણોના વર્ણન દ્વારા સૂચન કર્યું છે.
સર્વ ધર્મી આત્માઓનાં લક્ષણો
માર્ગાનુસારિપણું, શ્રાદ્ધપણું, પ્રજ્ઞાપનીયપણું, ક્રિયાપરતા, ગુણરાગ અને શક્યારંભસંગતતા -આ છ લક્ષણોને અહીં દેશવિરતિધર આત્માઓનાં લક્ષણો તરીકે જણાવેલ છે; પરંતુ આ છ લક્ષણો નિજ નિજ ધર્મની અપેક્ષાથી ધર્મી એવા સર્વ આત્માઓને માટે બંધબેસતાં થઇ શકે છે. સમ્યકત્વ ધર્મને પામેલા પૂણ્યાત્માઓને મિથ્યાત્વમોહનીય-કર્મ આદિ કર્મોનો જેટલો ક્ષયોપશમાદિ થયેલ હોય છે, તે ક્ષયોપશમાદિને ધ્યાનમાં રાખીને વિચાર કરવામાં આવે, તો આ છએ લક્ષણોને સમ્યકત્વ-ધર્મને પામેલા પુણ્યાત્માઓને પણ અંશે અંશે બંધબેસતાં કરી શકાય છે. જો કે-સમ્યકત્વનાં આસ્તિક્યાદિ છ લક્ષણો ઉપકારિઓએ વર્ણવેલાં છે અને તે લક્ષણો વિષે આપણે છઠ્ઠી સદ્ધર્મ વિંશિકાના પદાર્થની વિચારણા વખતે વિચાર કરી આવ્યા છીએ; પરન્તુ માગનુસારિપણું આદિ આ છ લક્ષણોનો સમ્યકત્વ-ધર્મને અંગે પણ જો અંશતઃ અંશતઃ સ્વીકાર કરવો હોય, તો તે અવશ્ય થઇ શકે છે. બાકી આ છ લક્ષણો દેશવિરતિ-ધર્મ અને સર્વવિરતિ ધર્મવાળા પૂણ્યાત્માઓને તો સારી રીતિએ બંધબેસતાં થાય જ છે. ઉપકારિઓએ માર્ગાનુસારિતા આદિ આ છ લક્ષણોને, દેશવિરતિધર આત્માનાં છ લક્ષણો તરીકે તેમજ સર્વવિરતિધર આત્માઓનાં છ લક્ષણો તરીકે પણ ઓળખાવેલ છે; પણ એનો અર્થ એવો તો નથી જ થતો કે-સમ્યકત્વ ધર્મને પામેલા પુણ્યાત્માઓને આ છ લક્ષણો તેમના ક્ષયોપશમ દિને અનુકૂલ રીતિએ પણ બંધબેસતાં થઇ શકે જ નહિ. આથી આ છ લક્ષણોને ધર્મી એવા સૌ કોઇએ જાણી લેવા જોઇએ તથા તેમાં જે ઉણપ રહેતી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને ધર્મના અર્થી આત્માઓએ પણ આ છ લક્ષણોને જાણીને તેન મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ, કે જેથી આ છ લક્ષણોનો અભ્યાસ કરતે કરતે પણ ધર્મની પ્રાપ્તિ થઇ જાય.
Page 63 of 211