________________
ઉપર્યુકત પ્રક્રિયાઓમાં અપેક્ષિત છે. પણ મનની દોટ ઓછી કરવા માટે કેટલીક એવી પ્રણાલિઓ પણ છે, જેમાં કેાઈ બાહ્ય આલંબન લેવામાં આવતું નથી. એમાંનો એક સરળ માર્ગ છે વિચારપ્રવાહના નિરીક્ષણનો. એના અભ્યાસીએ ચિત્તમાં ઊભરાતા વિચારોનું નિયંત્રણ કરવાનો કશો પ્રયત્ન કર્યા વિના, કે તે વિચારો સાથે ભળ્યા વિના, ચિત્તમાં વહેતી વિચારોની વણથંભી વણઝારને, પ્રેક્ષક તરીકે દૂર બેસી, માત્ર જોયા કરવાનું જ છે. વિચારો આવે ને જાય તેને, નદી કાંઠે બેસી પાણીના પ્રવાહને જોતાં હોઈએ તેમ, બેફિકરાઈથી માત્ર જોયા કરવા; એ પ્રવાહમાં પોતે તણાવું નહિ. સંભવ છે કે પ્રારંભમાં તો સાધકને આમાં કેવળ નિરાશા જ મળે. પરંતુ અભ્યાસ વધતાં, વિચારો સાથે ભળ્યા વિના, વિચાર-પ્રવાહના માત્ર પ્રેક્ષક રહેવાની ક્ષમતા પ્રાપ્ત થશે, અને તે સાથે ચિત્ત પણ ઉત્તરોત્તર અધિક શાંત થતું જશે.
આવો બીજો એક અભ્યાસ છે વર્તમાન વિચારને પકડીને તેના મૂળ સુધી પાછા જવાનો. વિચારપ્રવાહમાં તણાતાં તણાતા, જ્યારે ખ્યાલ આવે ત્યારે, જે છેલ્લો વિચાર હોય તેને પકડી લઈ, એની પૂર્વના અંકોડા મેળવતાં મેળવતાં, શરૂઆતના વિચાર સુધી જવાનો પ્રયાસ કરવો. સામાન્યતઃ માણસનું ચિત્ત કશા નિશ્ચિત ધ્યેય વિના એક પરથી બીજા વિષય ઉપર કૂદકા મારતું ભટકયા કરે છે. એક વિચારમાં આવેલા કોઈ શબ્દ કે પ્રતીકથી અન્ય અન્ય વિષયોને સાંકળતી તેની વિચારધારા આગળ વધે છે. મૂળ એક વિચારમાંથી પ્રસ્તુત-અપ્રસ્તુત વિચારોનાં અનેક ડાળ-પાંખડાં ફૂટતાં જાય છે. અને જ્યારે આપણને એનું ભાન થાય છે ત્યારે, મૂળ શો વિચાર આપણે કરતા હતા એ યાદ કરવું પણ મુશ્કેલ બની જાય છે. ધ્યેયવિહીન ભ્રમણ કર્યા કરવાની
૨૮