________________
ચિત્તની આ ટેવમાંથી મુકત થવામાં આ અભ્યાસ ઘણો સહાયક બને છે. નિર્વિચારમાં કૂદકો :
ચિત્તને શાંત કરવાનો અન્ય એક ઉપાય છે પ્રત્યેક ઊગતા વિચારને ત્યાં ને ત્યાં જ ડામી દેવાનો. જાણ્યે-અજાણ્યે વિચાર સાથે ભળી જઈ આપણે તેને સાતત્ય આપીએ છીએ ત્યારે જ વિચાર આગળ વધે છે. સાવધાન રહી જો આપણે તેની સાથે ભળીએ નહીં તો મનની પાંખો કપાઈ જાય છે. પરંતુ વિચાર દ્વારા કંઈક પ્રાપ્ત થશે એ આશામાં ને આશામાં માણસ તેને સાતત્ય આપતો રહે છે. જો તે આ ભ્રામક આશા ત્યજી દેવાનું સાહસ દાખવી શકે તો મનોજયની દિશામાં તે શીઘ્ર ગતિ એ આગળ વધી શકે. જાગૃત રહી પ્રત્યેક વિચારને ઊગતો જ ડામી દેવાના આ અભ્યાસને ચાર-છ મહિના નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર સાધક અનુભવે છે કે એથી પોતાના ચિત્તની ઘણી અશુદ્ધિ દૂર થઈ જવાથી તેની અર્થહીન ઊડાઊડ અટકે છે; તે નિર્મળ, શાંત અને સ્થિર થતું જાય છે.
કેટલાક સાધકોને એકાગ્રતા કેળવવી કઠિન જણાય છે. પરંતુ, ઉપર્યુકત અભ્યાસમાં કરવામાં આવે છે તેમ, ઊગતા વિચારને ડામી દીધા પછી કે ચાલતા વિચારને અધવચ્ચે જ કાપી નાખીને પ્રાપ્ત થતી નિર્વિચાર સ્થિતિને શાંત ભાવે માત્ર જોયા કરવાનો અભ્યાસ વધુ માફક આવે છે. તેઓ આ અભ્યાસ દ્વારા સીધા જ નિર્વિચાર સ્થિતિમાં જઈ શકે. પૂર્વનો વિચાર શમી ગયો હોય અને બીજો વિચાર ઊઠયો ન હોય એ સ્થિતિને પકડી લઈ તેમાં સ્થિર થવાથી નિર્વિકલ્પ ચૈતન્યનો અવબોધ સરળતાથી થઈ શકે છે, એવી શાખ આદ્ય શંકરાચાર્ય, શ્રી રમણ મહર્ષિ વગેરે જ્ઞાનમાર્ગના અનેક યાત્રીઓ પૂરે છે.
૨૯