________________
શ્રીમદ્ લઘુરાજ સ્વામી
જન્મ
પૂર્વ દિશામાં એકલા સૂર્યનો ઉદય થાય છે, પરંતુ ચારે દિશાઓ તેનાથી પ્રફુલ્લિત થાય છે, તેમ સં.૧૯૧૦ના આસો વદ ૧ના પવિત્ર દિને ભાલ પ્રદેશના વટામણ નામના ગામમાં ભક્તિના અવતાર સમા મહાભાગ્યશાળી અને અતિ પુણ્ય પ્રતાપી એવા પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો જન્મ થવાથી તેમની વિદ્યમાન ચારે માતાઓનું વૈધવ્ય દુઃખ વિસારે પડ્યું; અને મનમાં પ્રફુલ્લિતતા વ્યાપી. તેમનું નામ લલ્લુભાઈ રાખવામાં આવ્યું. તેમના પિતાશ્રીનું નામ શ્રી કૃષ્ણદાસ ગોપાલજી હતું. તે વ્યવહારકુશળ અને ગામમાં અગ્રગણ્ય પુરુષ હતા. તે ચાર વાર પરણેલા, છતાં એકે સંતાન નહોતું. તેમના આયુષ્યના અંતિમ વર્ષે કુશલા (કસલી) બાઈને ગર્ભ રહ્યો. પણ તે અરસામાં કોલેરાના રોગની શરૂઆત થઈ હતી. કૃષ્ણદાસ ઘોડી ઉપર બેસી ઉઘરાણી માટે ગયા હતા. રસ્તામાં કોલેરાથી ઊલટી થઈ. ત્યાંથી ઘેર આણ્યા.પણ તે બચી શક્યા નહીં અને પરલોક સિધાવ્યા. તેથી નિર્વંશતાનું કલંક ટાળનાર એ પુત્ર પ્રત્યે ચારે માતાઓનું તથા તેમના પુણ્ય પ્રભાવે આખા ગામના લોકોની પ્રીતિ પણ વધવા લાગી.
તે વખતની નિશાળો ગામઠી હતી. ત્યાં કિશોરવયે લલ્લુભાઈ ભણવા જતા. થોડું ઘણું લખતાં-વાચતાં અને ગણતાં આવડ્યું કે શાળાનો અભ્યાસ બંધ કરી પોતાની દુકાને બેસવા માંડ્યું. દુકાનમાં લેવડદેવડ તથા નામાનું કામ મુનીમ મારફત થતું. માત્ર પોતે દેખરેખ રાખતા અને સર્વ રાજી રહે તેમ વર્તતા.
૧