________________
સર્વને પ્રતિમાજીનું અવલંબન હિતકારી જૂનાગઢથી વિહાર કરી ઘંઘુકા શ્રી લલ્લુજી પધાર્યા અને ત્યાં જ સં.૧૯૬૦નું ચોમાસું પણ કર્યું. ખંભાતથી શ્રી અંબાલાલભાઈ તથા વીરમગામ, અમદાવાદ અને વટામણ તરફનાં મુમુક્ષુજનોએ સંતસમાગમ અર્થે આવીને પર્યુષણ પર્વ નિમિત્તે ત્યાં પંદરેક દિવસ ગાળેલા. કેટલાંક ભાઈબહેનોને એ ચાતુર્માસમાં એવો તો ભક્તિરંગ લાગ્યો હતો કે તે મરણપર્યત ટકી રહ્યો.
એક વખતે ધંધુકાના સ્થાનકવાસી ભાવસારોના વિચારવાન અગ્રેસરોએ શ્રી લલ્લુજી સ્વામી પાસે આવીને પૂછ્યું કે “આપના ઉપર અમને વિશ્વાસ છે તેથી પૂછીએ છીએ કે પ્રતિમા માનવી કે નહીં? શાસ્ત્રમાં પ્રતિમાપૂજન વગેરે આવે છે કે નહીં? અમને ખબર નથી, અમે દેરાસરમાંય જતા નથી. તમે કહો તેમ માનીએ.” શ્રી લલ્લુજી સ્વામીએ તેમને જણાવ્યું કે શાસ્ત્રમાં પ્રતિમા સંબંધી પાઠ ચાલ્યા છે, પ્રતિમાનું અવલંબન હિતકારી છે. દેરાસરમાં ન જવું એવો આગ્રહ છોડી દેવા યોગ્ય છે, અમે પણ દર્શન કરવા, ભક્તિ કરવા દેરાસર જઈએ છીએ. એ વિષે સત્સંગ - સમાગમે ઘણું શ્રવણ કરવાની જરૂર છે.”
ઘંઘુકાના ત્રીસ ભાવસાર કુટુંબો સ્થાનકવાસીની માન્યતા બદલી દેરાવાસી માન્યતાવાળા થયાં. પણ પછી વિશેષ સતુ-સમાગમના અભાવે પાછા શ્વેતાંબરના આગ્રહવાળા તે થઈ ગયા. જેમ ઊંઘમાં પડખું ફેરવે પણ ઊંઘ ન તજે તેમ એક પક્ષ છોડી બીજા પક્ષમાં જતાં આત્મજાગૃતિ કરવાની હતી તે ન થઈ.
શ્રી ધારશીભાઈને પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ મંત્ર પ્રસાદી
શ્રી ઘારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તેઓ ધંધુકામાં શ્રી લલ્લુજી મુનિના દર્શનાર્થે આવ્યા. અને વિનયપૂર્વક સાષ્ટાંગ દંડવત્ કરીને જણાવ્યું કે-સંવત્ ૧૯૫૭માં શ્રીમદ્જીએ મને કહેલું કે તેઓશ્રીની હયાતીમાં શ્રી અંબાલાલ, શ્રી સોભાગભાઈ અને આપને અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. માટે આપ મારે અવલંબનરૂપ છો. મારી હવે આખર ઉંમર ગણાય. તેથી આજે અવશ્ય કૃપા કરી મને પરમકૃપાળુદેવે જણાવેલ આજ્ઞા ફરમાવો એમ આંખમાં આંસુ સહિત શ્રી લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. વારંવાર જણાવવાથી શ્રી લલ્લુજી મુનિએ, સ્મરણમંત્ર જે મુમુક્ષુઓને જણાવવા પરમકૃપાળુદેવે આજ્ઞા કરેલ તે તેમને જણાવ્યો. તેથી તેમનો આભાર માની મરણની છેલ્લી ઘડી સુધી આરાધના કરી દુર્લભ એવું સમાધિમરણ સાધ્ય કર્યું.
૩૪