________________
શ્રી રાણકપુર તીર્થ
આહારપાણીનો અંતરાય
પંચતીર્થમાં સાદડી પાસેનું રાણકપુર એક તીર્થસ્થળ ગણાય છે. ત્યાં શ્રી લલ્લુજી આદિ મુનિઓ જવાના છે એમ એક વિદ્વેષી સાધુને ખબર પડવાથી તેણે સાદડી પ્રથમથી જઈ બઘા શ્રાવકોને સમજાવ્યું કે સ્થાનકવાસી સાધુઓ અહીં આવવાના છે તેમને આહારપાણી ન આપવા. તે ઉન્માર્ગી છે, તેમને મદદ કરવાથી મિથ્યાત્વ લાગે, વગેરે તેમના મનમાં સજ્જડ ઠસાવી દીધું.
પ્રાપ્ત પરિષહ જીતવો એ જ નિગ્રંથનો માર્ગ
જ્યારે તે મુનિવરો રાણકપુર પધાર્યા, દેરાસરમાં દર્શન ભક્તિ કરી આહારપાણી માટે ગયા ત્યારે આહારની વાત તો દૂર રહી પણ તેમને પાણી સરખું મળ્યું નહીં. કોઈ ગરમ પાણીથી સ્નાન કરતા હતા, તેમની પાસે એક મુનિએ પાણી માંગ્યું તોપણ આપ્યું નહીં. બીજે દિવસે ભિક્ષાર્થે ગયા તોપણ તેમ જ થયું. સાથેના મુનિઓને એમ લાગ્યું કે આપણે વિહાર કરી બીજા ગામે જવું સારું. પણ શ્રી લલ્લુજી સ્વામીએ તો નિશ્ચય કર્યો કે પ્રાપ્ત પરિષહ જીતવો એ જ નિગ્રંથ માર્ગ છે; કઠણાઈથી ડરી જવું કે ભાગતા ફરવું એ કાયરનું કામ છે. ત્રીજે દિવસે પણ પાણી સરખું મળ્યું નહીં. આમ નિર્જળ અઠ્ઠમ પૂરો થયો.
ભાવિક ભક્તોએ આપેલ ભક્તિથી
આહારદાન તેવામાં ખંભાતનો સંઘ યાત્રાર્થે નીકળેલો તે જ દિવસે રાણકપુર આવી પહોંચ્યો. તેમણે કોઈ મુનિ હોય તો વહોરાવીએ એવી ભાવનાથી તપાસ કરી તો ખબર પડી કે શ્રી લલ્લુજી આદિ મુનિઓ અહીં છે. તેથી તેમને બોલાવી લાવી તેમણે ભક્તિપૂર્વક આહારપાણી વહોરાવ્યાં.