________________
પ્રમાદ અને લોભાદિ કારણે વૃત્તિ શિથિલ તે સાંકેતિક આંબા નીચે શ્રીમદ્જીએ મુનિઓને કહ્યું, “મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણાથી પણ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિ કારણે ઉચ્ચ થતાં તેને એવી લબ્ધિ પ્રગટ થઈ હતી કે અમે ત્રણ ચાર કલાક બોઘ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તો તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા હતા. હાલ પ્રમાદ અને લોભ આદિના કારણે વૃત્તિ શિથિલ થઈ છે. તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાં જાણતા હતાં.”
શ્રી લલ્લુજીને તે સાંભળી ખેદ થયો. તેથી શ્રીમદ્જીને પૂછ્યું, “શું તે એમ જ રહેશે?” શ્રીમદ્જીએ કહ્યું, “મુનિ, ખેદ કરશો નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું એક જાળા આડે અટકી જાય, પણ ફરી પૂર-પ્રવાહના વહનમાં જાળાથી જુદું પડીને મહાસમુદ્રમાં જઈને મળે છે; તેમ તેનો પ્રમાદ અમારાથી દૂર થશે અને પરમપદને પામશે.”
બે અઢી માસ પર્યત ઈડરની આજુબાજુના પ્રદેશમાં શ્રી લલ્લુજી વિચર્યા. પછી ખેરાળુ થઈ નડિયાદ આવી સં.૧૯૫૫નું ચાતુર્માસ ત્યાં જ કર્યું. -ઉ.પૃ.(૧૭) (૧૮) થોડા સમયમાં શ્રીમજી વવાણિયાથી અમદાવાદ પધાર્યા. શ્રી લલ્લુજી આદિ મુનિઓ પણ ત્યાં હતા.
મુનિ તમે (આત્મા) જોશો પરમકૃપાળદેવ અમદાવાદમાં રાજપરના દેરાસર જવાના હોવાથી મુનિઓને પણ ત્યાં બોલાવ્યાં. દેરાસરમાં છઠ્ઠા પદ્મપ્રભ પ્રભુજીનું સ્તવન પોતે ગાયું. “પહાપ્રભ જિન તુજ મુજ આંતરું રે...” અને સ્તુતિ નમસ્કાર કરી ઊભા થઈ પછી ભોંયરામાં ગયા. ભોંયરામાં મૂળનાયકજી પાર્શ્વનાથ પ્રભુની બાજુમાં જે ભવ્ય ઘવલ પ્રતિમાજી છે, તેની સમીપ જઈ પરમકૃપાળુદેવ ઓચિંતા બોલી ઊઠ્યા કે, “દેવકરણજી, જુઓ! જુઓ આત્મા!” ત્યારે શ્રી લઘુરાજ સ્વામી કહે હું ભોળો તે બોલી ઊઠ્યો કે “ક્યાં છે બાપજી?” પછી મારી સામું જ જોઈ રહ્યા અને બોઘમાં જણાવ્યું કે “મુનિ! તમે જોશો.”
દેરાસર બહાર આવી મુનિઓને ફરમાવ્યું, “મુનિઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી. માટે અંતરદ્રષ્ટિ કરો.”
સાધુના પગ દાઝતા હશે
અમદાવાદથી શ્રીમદ્જી ઈડર તરફ પથાર્યા, અને શ્રી લલ્લુજી આદિ થોડા દિવસ પછી નરોડા તરફ વિચર્યા. ઈડરથી શ્રીમદ્જીનો પત્ર નરોડા આવ્યો કે પોતે નરોડા બીજે દિવસે ઊતરશે. અમદાવાદથી મુમુક્ષુ ભાઈઓ પણ નરોડે આવ્યા હતા. બાર વાગે શ્રી લલ્લુજી આદિ મુનિઓને નિવૃત્તિ સ્થળે જંગલમાં પધારવા શ્રીમદ્જીએ સમાચાર મોકલ્યા. મુનિઓ ઉપાશ્રયથી ભાગોળે પહોંચ્યા તેટલામાં શ્રીમદ્જી આદિ પણ ત્યાં રાહ જોતા ઊભા હતા. ઉનાળાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી. પરંતુ “સાધુના પગ દાઝતા હશે” એમ બોલી શ્રીમદ્જી પોતાના જોડા (સ્લીપર) કાઢી નાખી ગજગતિથી દૂર વડ સુધી ઉઘાડા પગે ચાલ્યા. સાધુઓ છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ચાલતા હતા. પણ પોતે અકળાયા વગર, કંઈ તડકાની કાળજી કર્યા વિના, શાંતિથી ચાલતા હતા. ગામના લોકો પણ વાતો કરતા કે શ્રી દેવકરણજી મહારાજ જણાવતા હતા કે આ જ્ઞાની પુરુષ છે તે વાત સાચી છે.
૨૩