________________
શ્રી મોતીચંદભાઈ બુટા.
આહોર (શ્રી ૩ૐકારભાઈ દ્વારા મળેલ વિગત)
સં.૧૯૯૧માં પ્રભુશ્રીજી આબુથી આહોર પઘારેલા. ઘર્મશાળામાં મેડા ઉપર પ્રભુશ્રીનો ઉતારો હતો. નીચે મંડપ બાંધ્યો હતો. લોકો ભક્તિમાં બહુ આવતા. ભક્તિ ઊઠ્યા પછી કિસમીસ, કાજુ, બદામ, વગેરે સૂકામેવાની પ્રભાવના ખોબો ભરીને મુમુક્ષુઓને આપતા હતા.
આત્મકલ્યાણમાં લોકલાજનો ભય રાખવો નહીં
આહોરમાં મોતીચંદભાઈ બુટાને દીક્ષા લેવાના ભાવ હતા. તેથી દીક્ષા લેવા માટે ગયેલા. પણ એમના કુટુંબીઓ એમને પાછા લઈ આવ્યા. ઘર્મમાં આગેવાન ઘોરી શ્રાવક કહેવાય. ઉપાશ્રયમાં વાંચન વગેરે કરતા. ફૂલચંદભાઈના મિત્ર હતા. તેથી ફૂલચંદભાઈને કહ્યું કે પૂ.પ્રભુશ્રીજી પાસે મારે પણ મંત્ર તો લેવો છે, પણ કોઈ ન જાણે એવી રીતે લેવો છે. ત્યારે ફૂલચંદભાઈએ કહ્યું કે ચાલો પ્રભુશ્રીજી પાસે. તે જેમ કહેશે તેમ કરીશું. પછી પ્રભુશ્રીજી પાસે ગયા ત્યારે ફૂલચંદભાઈએ પ્રભુશ્રીજીને કહ્યું કે આ મોતીચંદભાઈને મંત્ર લેવો છે. પ્રભુશ્રીજીના જ્ઞાનમાં કંઈ અજાણ્યું નહોતું. જીવનું કલ્યાણ લોકલાજ મૂક્યા વગર થાય નહીં. તેથી એના ઉપર તેમણે ઘા કર્યો. અને પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂ.શ્રી બ્રહ્મચારીજીને કહ્યું કે નીચે સભામાં ભક્તિ ચાલે છે ત્યાં જઈ એમને મંત્ર આપો. ત્યારે ફુલચંદભાઈએ મોતીચંદભાઈને કહ્યું કે હવે શું કરીશું? મોતીચંદભાઈ કહે હવે જે થાય તે જોઈ લઈશું. એવી નિર્ભયતા આવી ગઈ અને નીચે જઈ સભાની વચ્ચે જ મંત્ર લીધો. લોકો બઘા આશ્ચર્ય પામ્યા કે શું મોતીચંદભાઈ મંત્ર લે છે? કે આ સ્વપ્ન છે? પછી મોતીચંદભાઈ આયંબિલની ઓળી ચાલતી હોવાથી શ્રીપાળ રાજાનો રાસ રોજ વાંચતા હતા. તેથી ઉપાશ્રયે ગયા. ત્યાં લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યા કે આવા આગેવાન થઈને આમ મંત્ર વગેરે લે તો આપણા સંપ્રદાયનું શું થાય? આવી વાતો કરતા જાણી મોતીચંદભાઈએ સ્પષ્ટ કહ્યું કે તમે કહેતા હો તો વાંચુ, નહીં તો મારે વાંચવું નથી. કારણ મને તો સાચા સપુરુષ મળ્યા છે. એમ કહી તત્ત્વજ્ઞાન બતાવ્યું. પછી લોકો કંઈ બોલ્યા નહીં. અવસરે અવસરે ઘણા લોકોને તત્ત્વજ્ઞાનમાંથી એ સમજાવતા અને કહેતા કે આ જ સાચું છે.
૨૨૨