________________
શ્રી આશાભાઈ ગોવિન્દભાઈ પટેલ
દંતાલી
સોય તારી ટોપીમાં જો
સંવત ૧૯૮૦માં પ.પૂ.પ્રભુશ્રીજી એકવાર સાંજે ચાર વાગે દંતાલી આવેલા. પાટ ઉપર બેઠા હતા. ત્યાં મારા કાકા હરજીભાઈને પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાનો અંગૂઠો બતાવી કહ્યું કે જો ભાઈ આમાં ફાંસ છે? ત્યારે કાકાએ કહ્યું ના પ્રભુ, કંઈ નથી. ફરીથી જો. ફરીથી જોયું તો ફાંસ જણાઈ. પછી કહ્યું તું કાઢીશ? હા પ્રભુ. પણ મારી પાસે સોય નથી, ઘેરથી સોય લઈ આવું. પ્રભુશ્રી કહે સોય નથી ? ના પ્રભુ, લઈ આવું. ત્યારે પ્રભુશ્રીજી કહે તારી ટોપીમાં જો. ટોપીમાં જોયું તો મોટી સોય મળી આવી. તેના વડે ફાંસ કાઢી. મનમાં થયું કે આ સત્પુરુષ તો બધું જાણે છે.
આ દેહ તે હું નહીં અને તે મારો નહીં
પ્રભુશ્રી કહેતા કે પરમકૃપાળુદેવ સાચા પુરુષ છે. આ માન્યતા મોક્ષ આપે. આ પ્રતીતિ કરી લેને. સમજણ વગરના બાળાભોળા મેલાઘેલા પણ શ્રદ્ધાવાળા જીવોનું કલ્યાણ થઈ જશે. તારી પાસે ભાવ છે તે કરી લે ને. કૃપાળુદેવની માન્યતા દૃઢ કરવાનું જણાવતા. ત્યાં જ વળગાડતાં.
આ દેહ તે હું નહીં, દેહ તે મારો નહીં. જ્યાં જ્યાં ચોટ્યો ત્યાંથી ઉખેડવાનો છે. આટલું જ કરવાનું છે. આમાં પ્રભુ ! બધું આવી ગયું. લાંબી વાણીયાશાહી પૂછપરછની જરૂર નથી. કોઈ કહે લાડું કેમ બને? તે માટે લાંબુ લીસ્ટ તૈયાર કરે. તેમાં સાકર જોઈએ. તે માટે શેરડી જોઈએ. તે કેમ રોપાય? આમ ચૂંથાચૂંથ કરે શું વળે ? લાડું એટલે લાડુ. એણે કહ્યું તે માન્ય. પરમકૃપાળુદેવ
એટલે મોક્ષ. તે માટે દેહભાવ છોડવો. તે કરવા મંડી પડને. આ ટૂંકો રસ્તો છે.
પ્રભુ! આ જીવોનું કલ્યાણ થઈ જશે
શ્રી મણિભાઈ લાલજી પટેલ
મણિલાલ લાલજી નાનપણથી બહુ વૈરાગ્યવાળા હતા. રામ જોવાની અંતરની ઇચ્છા હતી. તેથી ઘરથી નીકળી પડેલા. ફરતા ફરતા કોઈ ઠેકાણે પ.પૂ.પ્રભુશ્રીજીનો બોધ ચાલતો હતો ત્યાં આવી ચઢ્યા. કોઈએ કહ્યું આ મહાત્મા છે એમને મળો તો કદાચ તમને રામ બતાવે. બોધ પૂરો થયે બધા વીખરાઈ ગયા. પણ એ ઊભા રહ્યા. છોકરા જેવી ઉંમર હતી. પ.પૂ.પ્રભુશ્રીજીએ બોલાવ્યો. વાતચીત થઈ તો કહે મારે તો રામ જોવા છે. પ્રભુએ કહ્યું રામ જોવા છે? તો ચાલ અમે બતાવીશું. તું જોઈને ડરીશ તો નહીં ને?
સં.૧૯૮૪માં સભામંડપમાં ચિત્રપટોની સ્થાપનાના દિવસે પ્રભુશ્રીજી રાજમંદિરથી નીચે ઊતરતા, માણસોની મેદની જોઈ બોલી ઊઠ્યા : પ્રભુ! આ જીવોનું કલ્યાણ થઈ જશે.
ભાદરણ (શ્રી આપાભાઈ મણીભાઈ દ્વારા સાંભળેલી તેમની વાત) મારે તો રામ જોવા છે
૨૧૫
પ્રભુનું અદ્ભુત સ્વરૂપ જોઈ શકાયું નહીં
પછી એક ઓરડીમાં તેને લઈ જઈ, તે બંધ કરી પ્રભુ ધ્યાનમાં બેઠા. આસન ઊંચુ થયું અને તેજ તેજ ફેલાવા લાગ્યું. એટલું બધું તેજ વધ્યું કે તેમનાથી જોઈ શકાયું નહીં. પરંતુ શ્રદ્ધા બેસી ગઈ અને નમી પડ્યા. વૈરાગ્ય ખૂબ હતો તેથી સાધુ થવું હતું. પણ પ.પૂ.પ્રભુશ્રીએ કહ્યું : તારે હજી ભોગાવલી કર્મ બાકી છે. છોકરા થશે. તેમને પોષવાના છે. માટે ઘેર જા. આટલો ભવ આર્થિક સ્થિતિ પણ આવી જ રહેશે. છોકરાઓની આગળ ઉપર સ્થિતિ સુધરશે. તું ભક્તિ વગેરે કરજે. ત્રીજે ભવે મોક્ષ થશે.