________________
શ્રી હરખચંદ કરમચંદ દોશી
જુનાગઢ (શ્રી મનસુખભાઈ હરખચંદે જણાવેલી વિગત) સ્થાનકવાસી છતાં દેરાવાસી બની ગયા
પ.પૂ.પ્રભુશ્રીજીએ સં.૧૯૭૨ની સાલમાં જુનાગઢ ચોમાસું કર્યું હતું. પ.પૂ.પ્રભુશ્રીજીના કાકાના દીકરી બેન જુનાગઢમાં ગામ બહાર આવેલ પ્રકાશપુરીમાં રહેતા હતા. તેમણે પ્રભુશ્રીજીને ચોમાસું કરવા માટે વિનંતી કરેલી. તેથી પ.પૂ.પ્રભુશ્રીજી પ્રકાશપુરીમાં આવેલ શ્રી રામજી મંદીરમાં પહેલા માળે રહ્યા હતા. તે મકાનની બારી રસ્તા ઉપર પડતી હતી. તેમાં પ.પૂ.પ્રભુશ્રીજી બેસતા. અમારા પિતાશ્રી હરખચંદ કરમચંદ દોશીનું ધ્યાન તેમના ઉપર ગયું. સ્થાનકવાસી જૈન સાધુ જાણી વંદન કરવા ગયા. સંપર્ક વધ્યો અને સત્સંગથી દેરાસરે પણ જવા લાગ્યા. પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા થવાથી મંત્ર લઈ ત્રણ પાઠ કરતા થઈ ગયા હતા. પ્રભુશ્રીજીએ અંતે નાર આવવાનું માન્ય રાખ્યું
પ.પૂ.પ્રભુશ્રીજીની ઇચ્છા જુનાગઢમાં જ દેહ છોડવાની હતી. પણ નારના ભાઈશ્રી રણછોડભાઈ તથા તેમના પત્ની બાળકો સાથે જુનાગઢ આવ્યા. પ.પૂ.પ્રભુશ્રીજીને નાર પઘારવા ઘણી વિનંતી કરી પણ તેઓશ્રી માન્ય કરતા નહોતા અને ભાઈશ્રી રણછોડભાઈ પણ તેમને મનાવવા માટે અડગ હતા. પ.પૂ.પ્રભુશ્રીજી જ્યારે આવવાની ના કહે કે ભાઈશ્રી, તેમના ઘર્મપત્ની અને બાળકો તેમને નમસ્કાર કરવાનું શરૂ કરી દેતાં. પચાસ-સો નમસ્કાર થાય કે પ.પૂ.પ્રભુશ્રી કહે હવે બંઘ કરો. ત્યારે ભાઈશ્રી રણછોડભાઈ કહેતા કે આપ આવવાની “હા” કહો. ત્યારે ૫.પૂ.પ્રભુશ્રી કહે આ બાબત વિચારીશું પણ અંતે પ.પૂ.પ્રભુશ્રીજીને ચરોતરમાં આવવાનું માન્ય રાખવું પડ્યું હતું.
પરમકૃપાળુદેવ પ્રત્યે પૂરી શ્રદ્ધા
| (શ્રી હીરાભાઈ ઝવેરીની ડાયરીમાંથી) હરખચંદભાઈ લગભગ ૮૫ વર્ષ જીવ્યા ત્યાં સુધી રાત દિવસ પરમકૃપાળુદેવની ભક્તિમાં લીન રહેતા. તેમની બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી. આજે પણ તેમના ઘરમાં બધાને પરમકૃપાળુદેવ પ્રત્યે પૂરી શ્રદ્ધા છે. કુકાવાવમાં હરખચંદભાઈને પ્રભુશ્રીજીએ કહેલું “સ્ત્રી કે મકાન જોયું તે વખતે પહેલાં આત્મા જોવો. પછી ભેદ પાડવો કે જોનાર જાણનાર આત્મા છે. દેખાય છે તે પુદ્ગલ છે.” તો મોહ ન થાય. કારણ કે સ્વભાવમાં રહ્યો તેથી બંઘ ન થાય. જ્ઞાનીઓએ ફેંચી બતાવી છે. વૃત્તિ રોકે તે વ્રત. ઉપયોગ એ ઘર્મ, ક્રિયા એ કર્મ. ભૂલ એ મિથ્યાત્વ. વૃત્તિને રોકી સ્મરણમાં રહેવું. દેરાસરે જવાનું કહેલું. જ્ઞાનદાન દેવું. ગરીબને દેવું. આત્માર્થે લોભ છોડવા દેવું.
શ્રી મણિભાઈ ફુલાભાઈ પટેલ
સુણાવ ઓહો!તું તો મુનદાસના ગામનો
મને પ્રભુશ્રીજીનો ભેટો મારી ૧૨ અથવા ૧૪ વર્ષની ઉમરમાં થયેલો. અમારે વેકેશન હતું. તેથી ચાર પાંચ મિત્રોએ વિચાર કર્યો કે આપણે આશ્રમમાં જઈએ. ત્યાં જમી આવીશું અને દર્શન પણ કરી લઈશું. ઘરેથી બે બે આના આપ્યાં તે લઈ આશ્રમ આવ્યા. પૂ.પ્રભુશ્રીજીના દર્શન કર્યા. છાતીએ, દાઢીએ વાળ હોવાથી પ્રભુશ્રીનો દેખાવ અમને સિંહ જેવો લાગ્યો. મારા મિત્રો તો જોઈને ડરી ગયા. હું પાછળ ચાલતો હતો. બઘા ડર્યા શાથી? તે જોઈ હું ઊભો રહ્યો. મારી અને પ્રભુશ્રીજીની નજર મળી ગઈ. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું છોકરા અહીં આવ. હું તેમની પાસે ગયો. ત્યારે મને પૂછ્યું: છોકરા, કયું ગામ? મેં કહ્યું સુણાવ. તે સાંભળી પ્રભુશ્રી બોલી ઊઠ્યાં ઓહો! તું તો મુનદાસના ગામનો. એમ કહી તેઓ હર્ષ પામ્યા.
ચોપડીમાંથી ગોખજે, મોઢે કરજે
પછી મને પાસે બેસાડી પૂછ્યું કે તને કવિતા બોલતા આવડે? મેં કહ્યું હા. ત્યારે તત્ત્વજ્ઞાન લઈ “હે પ્રભુ!”નો પાઠ કાઢી બોલવા કહ્યું : મને રાગ બેસાડતા આવડ્યું નહીં. તેથી પોતે બે ત્રણ ગાથાઓ બોલ્યા. પછી હું બોલ્યો ને ઢાળ બેસી ગઈ. તત્ત્વજ્ઞાનમાં તે પાના આગળ એક કાગળનો ટૂકડો મૂક્યો અને કહ્યું – યાદ રાખજે. આ તત્ત્વજ્ઞાન લઈ જા ને વીસ દોહરા સારા અક્ષરે લખજે. રસ્વઈ - દીર્ઘઈમાં ભૂલ કરીશ નહીં. ચોપડીમાંથી ગોખજેમોઢે કરજે. અને કહ્યું તત્ત્વજ્ઞાન પાછું આપી જજે. મેં વીસ દોહરા મોઢે કર્યા. તત્ત્વજ્ઞાન પાછું આપવા આવ્યો ત્યારે વીસ દોહરા પ્રભુશ્રીજી આગળ બોલી ગયો. પછી પ્રવૃત્તિમાં પડી ગયો. ત્યારે ઘર્મ શું તેનું કંઈ ભાન નહીં.
શ્રી મુનદાસભાઈ અને શ્રી ઉમેદભાઈ બન્ને ભાઈબંધ હતા. એમના લીધે મારા બાપુજીને પરમકૃપાળુદેવની માન્યતા થઈ હતી. પછીથી પૂ.બ્રહ્મચારીજી મળતાં ફરીથી જાગૃતિ આવી અને જન્મ સફળ થયો.
૨૧૬