________________
પ્રભુશ્રીજીના વખતમાં સીમરડા, કાવિઠા વગેરે ગામોના મુમુક્ષુઓને મન થાય કે પ્રભુશ્રીજી પાસે જવું છે તો કામ કરતા કરતા પડતું મૂકી આશ્રમમાં આવી જાય અને પ્રભુશ્રીજી આગળ ધર્મકાર્ય માટે રૂપિયો મૂકે. કપડાં મેલા ઘેલા પહેરેલા હોય અને જેસીંગભાઈ વગેરે શેઠીયાઓ બેઠા હોય તેમની પાસે જઈ બેસી જાય. આવા મેલાઘેલા પાસેથી શેઠીયાઓ થોડા દૂર ખસે. પણ પ્રભુશ્રીજીથી તે અજાણ્યું નથી. પ્રભુશ્રી ઉપદેશમાં કહે શેઠીયાઓ ધર્મકાર્યમાં ૧૦૦૦ માંથી ૧૦૦, ૫૦ મૂકે જ્યારે આ બાળા ભોળા રૂપિયો મૂકી પોતાનું બધું મૂકી દે છે. ભાવ મોટી વાત છે પ્રભુ. પછી જેસીંગભાઈ વગેરે શેઠીયાઓ પણ આવા મુમુક્ષુઓ પ્રત્યે બહુ ભાવ રાખતા. અમદાવાદમાં શ્રી જેસીંગભાઈ બીમાર હતા ત્યારે સીમરડા વગેરેથી મુમુક્ષુઓ એમને મળવા જાય ત્યારે શેઠે પટાદારોને કહેલું કે સગાંવહાલાઓને ગમે તે સમયે આવવા દેવા નહીં; પણ મુમુક્ષુઓ માટે કહેલું કે જ્યારે આવે ત્યારે આવવા દેવા. તબિયત સારી હોય તો સાથે બેસીને જમાડે. સ્ટેશને પોતાની ગાડીમાં બેસાડી મૂકવા જાય અને ટીકિટ લઈ ગાડીમાં બેસાડી આવે. પ્રભુશ્રીજીના ઉપદેશથી મુમુક્ષુઓ પ્રત્યે આવું બહુમાન તેમના હૃદયમાં પ્રગટ્યું હતું.
ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તવાથી જ જીવનું કલ્યાણ
પ્રભુશ્રીજી મહાભારતમાંથી દૃષ્ટાંત આપતા—જરાસંઘ રાજગૃહીમાં પ્રતિ વાસુદેવ હતો. અને કૃષ્ણ દ્વારિકામાં વાસુદેવ હતાં. આ બેની વચ્ચે લડાઈ જામી. બધાનો નાશ ન થાય તે માટે જરાસંઘ અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ ગોઠવાયું. શ્રીકૃષ્ણ વતી ભીમ લડવા તૈયાર થયો અને જરાસંઘ સાથે ભીમનું ગદાયુદ્ધ ચાલ્યું. ભીમે કૃષ્ણને કહ્યું કે મારાથી જરાસંઘનો માર સહન ન થાય તો શું કરવું? કૃષ્ણે કહ્યું મારી સામું જોજે. ભીમ અને જરાસંઘ લડવા લાગ્યા. ભીમ જરાસંઘના બે ચીરીયા કરી બે દિશામાં ફેંકી દે, પણ બન્ને ટુકડા પાછા ભેગા થઈ જાય. કારણ કે જરાસંઘને મહાદેવનું વરદાન હતું કે તું એકનો અનેક થઈશ. જરાસંઘ ફરી એક થઈને ભીમને ગદાથી માર કરે. ભીમની બધી મહેનત ફોગટ જાય. ગદાના મારથી ભીમ થાકી ગયો ત્યારે કૃષ્ણ સામે જોયું. કૃષ્ણે ઇશારાથી સમજાવ્યું કે જરાસંઘના બે ફાડીયાં બે બાજુ ફેંકીને, વચ્ચે માટીનું શિવલિંગ બનાવી દે. આમ કરવાથી તે શિવનો ભક્ત હોવાથી બે ફાડીયા ફરીથી ભેગાં થયાં નહીં. અને જરાસંઘ મૃત્યુ પામ્યો. કહેવાનું તાત્પર્ય કે જીવ પોતાની મતિ મૂકી ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ સમ્યક્ દર્શન થાય.
૨૧૪
શ્રી જેસીંગભાઈ શેઠ (અગાસ આશ્રમના પ્રથમ પ્રમુખ)
શ્રી ડાહ્યાભાઈ