________________
શ્રી ડાહ્યાભાઈ નારણભાઈ પટેલ સીમરડા
વસ્તુને નહીં પણ વસ્તુના જોનાર એવા આત્મા ઉપર લક્ષ રાખો
એકવાર પ્રભુશ્રીજીએ પોતાનો અંગૂઠો બતાવી કહ્યું જુઓ આત્મા, વળી ડાબલી બતાવી કહ્યું જુઓ આત્મા, તથા મોરપીંછી બતાવી કહ્યું જુઓ આ આત્મા. જેમ નાળિયેરમાં ગોળો જુદો રહે તેમ આ દેહમાં અમે રહીએ છીએ. અમારી વાત અનુભવ સહિતની છે. જગતના સર્વ પદાર્થોમાં ખરી કિંમત ચૈતન્યની છે. ખરૂં માહાત્મ્ય જોનાર, જાણનાર એવા આત્માનું છે. પછી પરમ કૃપાળુદેવના ચિત્રપટ તરફ આંગળી કરીને કહ્યું - આ શ્રુતકેવળી. એના પાદમૂળમાં ક્ષાવિક સમતિ થાય.
આ વડ શામાંથી દેખાય?
અંબાબાને પ્રભુશ્રીજીએ પૂછ્યું કે ‘આ બારીમાંથી શું દેખાય છે?” અંબામા કહે ઝાડ દેખાય છે. પ્રભુશ્રી કહે શામાં દેખાય છે? ત્યારે અંબામા કહે મને શી ખબર પડે! ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : આત્મામાં દેખાય છે. ગમે તેટલી બારી મોટી હોય પણ આત્મા ન હોય તો ન દેખાય. આત્મા છે તો વડ દેખાય છે.
૨૧૩
સંપ ન હોય તો સર્વ દુઃખી
પ.પૂ.પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત આપતા કે એક રાજા હતો. તેને સાત દીકરા. રાજ્ય મોટું. રાજા ગુજરી ગયા. દીકરાઓના હાથમાં રાજ્ય આવવાથી ખંડિયા રાજાઓએ ખંડણી ભરવાનું બંધ કર્યું અને વિચાર્યું કે રાજ્ય જીતી લઈએ. પણ પ્રધાનોએ કહ્યું જો સાતે ભાઈઓમાં સંપ હશે તો રાજ્ય જીતી શકાશે નહીં. માટે તેની પરીક્ષા કરવી જોઈએ. તેથી બધાને જમવાનું આમંત્રણ આપી સારી રીતે જમાડી એક ઓરડામાં આરામ કરવા જણાવ્યું. ત્યાં એક જ પલંગ રાખ્યો. બધા ભાઈઓમાં સંપ ન હોવાથી તે પલંગ ઉપર બધા ભાઈઓ સાંકડમાંકડ પણ આડા સુઈ ગયા. પણ મોટોભાઈને તે પલંગ સૂવા ન આપ્યો. બારીમાંથી આ બધું જોઈને પ્રઘાને કહ્યું એમને જીતી શકાશે. કેમકે એમનામાં સંપ નથી. તેથી બધાને કેદ કરી લીધા અને મોટું રાજ્ય હોવા છતાં જીતી લીધું, માટે પ્રભુશ્રીજીએ કહ્યું -બથા સંપે મળીને રહેજો. સંપ ત્યાં જ જંપ છે.