________________
શ્રી રેવાબેન શનાભાઈ પટેલ
પ્રભુશ્રીજીના બોધથી ફરી તાજગી સભામંડપનું ભોંયરુ રાતના બાર વાગ્યા સુધી મુમુક્ષુઓ ખોદે પછી સુઈ જાય. થાકી જાય એટલે મનમાં થાય કે ઘરે જતા રહીએ. પણ પ્રભુશ્રીજી આવે ને વાતચીતો કરે કે ફરી પાછા બઘા તાજા થઈ જાય અને સવારમાં કામ કરવા લાગી જાય.
આ તો જૈનધર્મ નીકળ્યો શ્રી સોમાભાઈ પ્રભુદાસ કાવિઠાવાળા તથા શ્રી અંબાલાલ ભાઈ સંદેશરવાળા વગેરે વૈષ્ણવના બહુ આગ્રહી કે હાથી નીચે કચરાઈને મરી જવું પણ જૈનના દેરાસરમાં જવું નહીં. તેઓ પ.પૂ.પ્રભુશ્રીજી પાસે આવેલા. તે વખતે તો જૈનોનું કંઈ બતાવ્યું નહીં. જૈનનું બતાવ્યું હોત તો આવત પણ નહીં. પણ દેરાસરની પ્રતિષ્ઠા વખતે જૈનની પ્રતિમા જોઈ ત્યારે અંબાલાલભાઈ બોલ્યા: સોમાભાઈ આ તો જૈનધર્મ નીકળ્યો. ત્યારે સોમાભાઈ કહે હવે જે હોય તે. હવે બાપાને છોડાય નહીં. આ આશ્ચમનું બંધારણ સમાધિમરણ કરવા માટે શ્રી વીમુબેનના બાપુજી શનાભાઈને ટી.બી.થયો હતો. તેથી રેવાબેન અને શનાભાઈ બન્ને કાવિઠાથી આશ્રમમાં રહેવા આવ્યા. તે વખતે કારભારીએ કહ્યું કે તમે ઘેર જાઓ. કારણ બઘાને ટી.બી. થઈ જાય. એટલે એ લોકો પાછા કાવિઠા ગયા. પછી ઇન્દોર શનાભાઈના બાપુજી સોમાભાઈને કાગળ લખ્યો. સોમાભાઈ ઇન્દોરથી કાવિઠા આવ્યા, અને બધાને પાછા આશ્રમમાં લાવ્યા. સોમાભાઈએ કારભારીને કહ્યું કે અમે આશ્રમ શું કરવા બાંધ્યું છે? અહીં સમાધિમરણ કરવા
માટે બાંધ્યું છે. અમે વડ તળીયે ઝુંપડું બાંધીને રહીશું. આ વાત પૂ.પ્રભુશ્રીજીને જાણ થતાં કારભારીને બોલાવ્યા અને કહ્યું કે એમને ઓરડી આપો. મેઘજી થોભણની ઘર્મશાળામાં છેલ્લી રૂમ આપી હતી. પછી શનાભાઈ અને રેવાબેને પૂ. પ્રભુશ્રીજી પાસે આજીવન બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. આવા શરીરે પણ પૂ.પ્રભુશ્રીજીએ તેમને ત્રણ આયંબિલ કરાવ્યા હતા.
એ એનું કરી દેવામાં ગયો, તું તારું કરજે
પૂ.પ્રભુશ્રીજી શનાભાઈ પાસે રોજ ઉપદેશ આપવા મેઘજી થોભણજીની ઘર્મશાળાની છેલ્લી ઓરડીમાં આવતા. છેલ્લા દિવસે બોધ આપતા હતા તે વખતે પ્રભુશ્રીજી બોલ્યા કે કાલે એ દુઃખનો નાશ થઈ જશે. બીજે દિવસે સવારના ચાર વાગે તેમનો દેહ છૂટી ગયો. અગ્નિસંસ્કાર કર્યા પછી ઝવેરબેન ઉત્તરસંડાવાળાને પ્રભુશ્રીજીએ કહ્યું કે જા ઓલીને (રેવાબેનને) ઉપર બોલાવી આવ. પછી રેવાબેન ઉપર ગયા, ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : એ એનું કરી દેવમાં ગયો, નિમિત્ત મળશે ત્યારે શ્રી રેવાબેન સમકિત પામશે. તું તારું કરજે.
૨૧૦