________________
આ મહારાજનો સમાગમ કરવા યોગ્ય છે
આબુમાં પ્રભુશ્રીજીની ઠેલણગાડી ચલાવવાનું કામ મને સોંપ્યું. આશ્રમના નિત્યક્રમ પ્રમાણે ત્યાં ભક્તિ થતી. ભક્તિનો ક્રમ પૂરો થાય પછી પ્રભુશ્રીની ગાડી લઈને ફરવા જાઉં. કોઈ વખત બઘા આવે તો કોઈ વખત એકલો જ લઈને ફરવા જાઉં. એક દિવસ હીરાભાઈ ઝવેરીના ભાઈબંઘ રાજાઓ ઝવેરીને મળવા આવ્યા ત્યારે ઝવેરીએ કહ્યું, અમારા ગુરુ મહારાજની સાથે સંઘમાં આવ્યા છીએ. આ મહારાજનો સમાગમ કરવા જેવો છે. ઝવેરીના આમંત્રણથી રાજાઓ ત્રણ દિવસ લાગલગાટ આવ્યા હતા.
મનને વશ કરવું હોય તો
સારાં કામમાં જોડેલું રાખવું
બીજે દિવસે ઝવેરીના ઓળખાણથી શિરોહીના મહારાજા આવવાની જાણ થઈ. જેથી પ્રભુશ્રીજી આગળ તેમના માટે ગાદીવાળું આસન કર્યું. ભક્તિ વખતે તે મહારાજા આવ્યા અને તેમને બતાવ્યા છતાં તે આસન ઉપર બેઠા નહીં. ત્યારે પ્રભુશ્રીજી પણ કહ્યું પ્રભુ! આસન પર બેસો. પણ બેઠા નહીં. અને કહે તમારા આગળ અમે નીચે જ બેસવા લાયક છીએ એવો વિવેક વાપર્યો. પછી પ્રભુશ્રીજી કહે પ્રભુ! કંઈ કહો. ત્યારે તે રાજા કહે હું ૧૮ વર્ષ થયાં ભક્તિ કરું છું, ગીતા વાંચુ છું છતાં મન સ્થિર થતું નથી. તેનો કોઈ ઉપાય બતાવો. ત્યારે પ્રભુશ્રીજી કહે પ્રભુ! ભક્તિની ઘણી જરૂર છે. આ મન તો બાબરાભૂત જેવું છે. એને વશ કરવા માટે હમેશાં સારા કામમાં જોડેલું રાખવું. નહીં તો એ નવરું બેઠું નખ્ખોદ વાળે. પછી બાબરાભૂતનું દ્રષ્ટાંત આપ્યું હતું.
ભૂતની જેમ મનને થકવી નાખવું
દ્રષ્ટાંત - એક શેઠને કામ ઘણાં. મિત્રના કહેવાથી આરાધના કરી એક ભૂતને વશ કર્યો. ભૂત કહે કામ બતાવ નહીં તો ખાઉં. એટલે શેઠને હવે રોજ કામ બતાવવાની ઉપાધિ આવી પડી. તેથી મિત્રે શેઠને કહ્યું – તેની પાસે એક મોટો વાંસ મંગાવ અને કહે જ્યાં સુધી હું કામ ન બતાવું ત્યાં સુધી તારે આ વાંસ ઉપર ચઢવું અને ઊતરવું. એ કામ કર્યા કરવું. એવું કામ સોંપવાથી તે ભૂત પણ થાકી ગયો અને શેઠને કહે કામ હશે ત્યારે હું આવીને કરી જઈશ એમ કહી ચાલ્યો ગયો.
જેમ વાંસ ઉપર ચઢઊતર કરતા ભૂત પણ થાક્યો તેમ મન પાસે સારા કામ કરાવી એને થકવી નાખવું જેથી તે વશમાં રહે. નવરું પડવા દેવું નહીં. પ્રભુ! સમાગમની ઘણી જરૂર છે પછી રાજા પ્રભુશ્રીજીનો સમાગમ કરવા અવારનવાર આવતા અને એકવાર પ્રભુશ્રીજીને પોતાને બંગલે પણ લઈ ગયા હતા. બંગલામાં નીચે કપડાં પાથરી તેના ઉપર ચલાવીને લઈ ગયા.
૧૬૬