________________
આ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં કાર્તિક સુદ ૧૧ થી કાર્તિક વદ ૪ સુઘી અઠ્ઠાઈ મહોત્સવ રાખવામાં આવ્યો છે. તો સર્વ મુમુક્ષુબંધુઓને તેનો લાભ લેવા વિનંતિ છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ. તા. ૧૪-૧૧-૫૩
લિ. સંતચરણરજ રાવજીભાઈ દેસાઈ શ્રી ચીમનલાલ ગોરઘનદાસ દેસાઈ
નડિયાદ સંવત ૧૯૭૬માં વૈષ્ણવકુળમાં મારો જન્મ થયો હતો. મારાં દાદીમા અત્યંત ભાગવત પ્રેમી હતાં. બાળપણમાં શ્રી રામચંદ્રજી તેમજ શ્રીકૃષ્ણજી વગેરેના ચરિત્રો તેમની પાસે સાંભળતાં મને ઘર્મના સંસ્કાર પડ્યા. ત્યારબાદ શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ વર્ણવેલ આત્માનું વર્ણન સાંભળતાં તેમજ સ્વામીશ્રી રામતીર્થના આત્મા ઉપરના પ્રવચનો વાંચતા આત્મા તરફ મારો ઝુકાવ થયો.
ત્યાર બાદ વિ.સં. ૨૦૦૦માં કોઈ સુભગ પળે માર મિત્ર શ્રી નારણભાઈ દેસાઈ મને અગાસ આશ્રમમાં લઈ આવ્યા અને પ.પૂ.બ્રહ્મચારીજી સાથે મને બે ત્રણ દિવસ સત્સંગ કરવાનો શુભ પ્રસંગ સાંપડ્યો.
મને પ.પૂ.બ્રહ્મચારીજીની મુદ્રા પરમશાંત સૌમ્ય લાગી અને મેં જે પ્રશ્ન કર્યા તેના મને સુંદર પ્રતીતિકર ઉત્તર મળ્યા. ત્યારબાદ તેઓશ્રીએ મારા પર કૃપા કરી મને ‘તત્ત્વજ્ઞાન” પુસ્તિકા આપી. તેમાં કૃપાળુદેવના ચિત્રપટ ઉપર “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમ લખી આપ્યું અને વીસ દોહા, યમનિયમ તથા ક્ષમાપનાના પાઠ પર નિશાન કરી નિત્યનિયમ તરીકે ભણવા જણાવ્યું. વિશેષમાં સાત વ્યસનનો ત્યાગ અને અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરવા પણ સૂચવ્યું હતું.
આ પ્રસંગને અનુલક્ષીને મને પરમકૃપાળુદેવનું જીવનચરિત્ર વાંચવાનો યોગ સાંપડ્યો. તેમાં પરમકૃપાળુદેવે દર્શાવેલ અદ્ભુત અવઘાન શક્તિથી હું ઘણો જ પ્રભાવિત થયો. અને તે સમયે જ આત્માની કેવી શક્તિ હોય તેનો મને કંઈક પરિચય થયો. વિશેષમાં પરમકૃપાળુદેવે મુમુક્ષુના લક્ષણ જેવાં કે અખંડ નીતિનું મૂળ આત્મામાં સ્થાપવું, દ્રવ્યાદિ સંપાદન કરવામાં ન્યાયસંપન્ન રહેવું, વગેરે જે ઉપદેશેલાં છે તેની મારા પર ગાઢ છાપ પડી અને તે મુજબ જીવન વિતાવવું એમ વિચાર્યું.
જો મને પ.પૂ.બ્રહ્મચારીજીનો સત્સંગ ન થયો હોત તો હાલ મારા જીવનમાં જે પરિવર્તન થયું છે કે થઈ રહ્યું છે તે થાત કે કેમ તે પ્રશ્ન છે. માટે એ સર્વનું શ્રેય તે પ.પૂ.બ્રહ્મચારીજી સાથે સંવત્ ૨૦૦૦માં થયેલ પ્રથમ ઘનિષ્ઠ સત્સંગને છે, એમ
નમ્રતાપૂર્વક નિવેદન કરી અત્રે વિરમું છું. ૮૬
પૂ.શ્રી બ્રહ્મચારીજી