________________
બપોરે સૂવાની મનાઈ
મને બપોરે સૂવાની ના કહી. આઠ દૃષ્ટિની સજ્ઝાય રોજ બપોરે પ્રભુશ્રીજીની દેરી પાસે રાયણ નીચે બેસી મુખપાઠ કરી લાવવા કહ્યું અને મુખપાઠ થયે તેમની પાસે આવી બોલી જવા કહ્યું. પછી મને અર્થ પણ સમજાવતા હતા. એવી રીતે ચાર દૃષ્ટિ મુખપાઠ કરી હતી. પછી મારે સુરત આવવાનું થયું એટલે બાકીની રહી ગઈ.
ભરતજીના પહાડ ઉપર પૂ.શ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુઓ સાથે સ્વાધ્યાય-ભક્તિ કરતા
પૂજ્યશ્રીના બોધવડે મુમુક્ષુઓની આંખમાં આંસુ
દક્ષિણની જાત્રા વખતે મને પત્ર લખી જણાવેલું : ‘‘સો–એક મુમુક્ષુભાઈ-બહેનો આવવાના છે. રાત્રે દોઢ વાગે ગુજરાત મેલમાં સુરત આવીશું. વિચાર થાય તો સુરત સ્ટેશને બિસ્તરો લઈ આવી રહેવું.’' તે મુજબ હું રાત્રે દોઢ વાગે સુરત સ્ટેશને જઈ સંઘ સાથે જોડાઈ ગયો હતો. હુબલી, બેંગલોર, મૈસુર, બાહુબલીજી (શ્રવણબેલગોલા) વગે૨ે તીર્થોની યાત્રા કરી હતી. શ્રવણ– બેલગોલાના પહાડ પર બાહુબલીજી અને ભરતજીના પહાડ ઉપર પ્રતિમાઓ છે. ત્યાં દર્શન કર્યા પછી પૂજ્યશ્રીએ બોધ કર્યો હતો. ભાઈભાઈની લડાઈ તેમજ સંસારનું સ્વરૂપ બોઘમાં સાંભળી મુમુક્ષુઓની આંખમાંથી આંસુ પડવા માંડ્યા હતા. ત્યાંથી મૂડબિદ્રીની જાત્રાએ ગયા. પછી ઇન્દોર થઈ અજમેર ગયા હતા.
જેટલું પીરસે તેટલું જ ખાય
એક વાર પૂજ્યશ્રી બ્રહ્મચારીજી સાથે બાંધણી જવાનું થયું ત્યારે અમે પૂ.શ્રી બ્રહ્મચારીજીના ઘરે ગયેલા, ત્યાં તેમના ભાભી હતા. તેમણે પૂ.શ્રી બ્રહ્મચારીજી જે રૂમમાં અભ્યાસ કરતા તે ઓરડો બતાવ્યો તેમાં સામી ભીંત પર લખેલું હતું કે :
“જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય;
મમતા સમતા ભાવસે, કર્મ બંધ ક્ષય હોય.’’
વાતવાતમાં એમના ભાભીએ કહ્યું કે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જમતી વખતે જેટલું પીરસ્યું હોય તેટલું જ ખાતા, ફરી માંગતા નહીં. તેઓ બહુ ઓછું બોલતા.
૬૫