________________
શ્રી દયાળજીભાઈ લલ્લુભાઈ પટેલ
કૃપાળુદેવ, પ્રભુશ્રીજીની વાતો સાંભળી ઘણો આનંદ થતો
અમારો ધંધો જરી કસબનો હતો. તે માટે મારે વારંવાર ખંભાત જવાનું બનતું. ત્યારે જતાં-આવતાં હું અગાસ ઊતરતો અને દર્શન કરીને જતો.
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ મને જણાવ્યું : ‘ખંભાતમાં શ્રી ત્રિભોવનભાઈને ત્યાં જજે, તે જૂના મુમુક્ષુ છે; કૃપાળુદેવના વખતના છે, તેઓને સદ્ગુરુ વંદન જણાવજે. તે તને
કૃપાળુદેવની વાત જણાવશે.’’
ખંભાતમાં ત્રિભોવનભાઈને ત્યાં ગયો અને પૂ.શ્રી બ્રહ્મચારીજીએ સદ્ગુરુ વંદન જણાવ્યા છે, એમ કહી હું ત્યાં બેઠો. ત્યારે ત્રિભોવનભાઈએ જણાવ્યું :
‘‘અમે કૃપાળુદેવ સાથે રાત્રે આઠ વાગે ગામની બહાર જતા, ત્યાં તળાવ હતું. તળાવ પાસે કેમ ચાલવું તે અમને જણાવતા કે પાણીના જીવો દિવસે તો સંતાઈ રહે, પણ રાત્રે બહાર આવે. પાણીની બહાર નીકળે ત્યારે આપણે ચાલીએ તે એને જણાઈ જાય કે કોઈ છે તો ભયના માર્યા પાછા પાણીમાં જતા રહે. તે કૃપાળુદેવે અમને શીખવ્યું હતું. ત્યારથી મને દયા પાળવી તે સમજાયું હતું. ત્યારપછી ભોગીલાલભાઈને ત્યાં જવા કહેલું અને સદ્ગુરુવંદન કહેવા કહ્યું હતું. ખંભાતમાં જૂના મુમુક્ષુઓ પ્રભુશ્રીજીના વખતના હતા. તેઓ પણ પ્રભુશ્રીજીની વાતો કરતા. તે સાંભળી ઘણો આનંદ થતો હતો.
સુરત
અન્યધર્મીને પણ દર્શન કરાવવા
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ ‘સદ્ગુરુપ્રસાદ’ ગ્રંથ મને આપ્યો, ત્યારે અઢી કલાક બેસાડીને આપ્યો હતો. પૂ.શ્રી બ્રહ્મચારીજી, પૂ.શ્રી પ્રભુશ્રીજીની રૂમમાં નાના સ્ટૂલ પર બેઠા હતા. મને કહ્યું : બેસીને તું મારી સામે જોયા કર.’’ સવા કલાક સુધી હું સામે જોઈને બેસી રહ્યો. ત્યાં બહેનો પદ બોલતા હતા, તે બાજુ મારાથી જોવાઈ ગયું. એટલે પૂ.શ્રી બ્રહ્મચારીજી પાછા બોલ્યા : “બરાબર સામું જોયા કર.’’ પછી અઢી કલાક થયા ત્યારે ‘સદ્ગુરુપ્રસાદ” મને આપ્યો અને તેમાં પરમકૃપાળુ દેવના પાંચેય જુદી જુદી
૬૪
અવસ્થાના ચિત્રપટોના દર્શન કરાવ્યા. અને કહ્યું : “અન્યધર્મી હોય તેને પણ દર્શન કરાવવા, એનું પણ સારું થાય.” સવારે ચાર વાગે ઊઠી વાંચવાથી ઘણો લાભ
હું ‘સમયસાર નાટક’ નામનું પુસ્તક લઈને પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પાસે આજ્ઞા લેવા ગયો. ત્યારે જણાવ્યું : ‘બીજા પુસ્તકોની જેમ આ વાંચવાનું નથી. સવારે ચાર વાગે ઊઠીને આ પુસ્તક વાંચજે.’’ એટલે હું સવારે ચાર વાગે ઊઠીને વાંચતો અને તેથી મને ઘણો લાભ થયો.
ચિત્રપટ સામે બેસી ભક્તિ ક૨વી અમે અમારા ઘરમાં રાત્રે ગરમી લાગવાથી અગાસીમાં બેસીને ભક્તિ કરતા હતા. જ્યારે હું અગાસ ગયો ત્યારે મને પૂછ્યું : “ક્યાં બેસીને ભક્તિ કરો છો?’’ ત્યારે મેં જણાવ્યું : ‘‘અગાસીમાં બેસીને કરીએ છીએ.’’ ત્યારે તેઓશ્રીએ
દૃષ્ટાંત આપી જણાવ્યું : “દુકાન બંધ કરીને ઘરે બેસો તો ઘરાક આવે? દુકાન બંધ જોઈને ચાલ્યા જાય. માટે જ્યાં ચિત્રપટ હોય ત્યાં બેસીને ભક્તિ કરવી.’ ત્યારથી અમે ચિત્રપટ સામે બેસીને ભક્તિ કરીએ છીએ.
મને બીડીનું પચખાણ આપો
મને બીડીનું વ્યસન હતું. તેમણે દૃષ્ટાંત આપીને સમજાવ્યું “એક ખેડૂત હતો, તેના ઘરમાં રૂ ભરેલું હતું. પારણામાં નાના છોકરાને સુવડાવી બીડી પીતા પીતા તે ખેતરે ગયો. બીડીનો તણખો રૂમાં પડવાથી આગ લાગી. બારણા પણ બંધ હતા. ખેડૂત જ્યારે ખેતરેથી ઘરે આવ્યો ત્યારે જોયું તો છોકરો અને ઘર બળીને રાખ થઈ ગયાં હતાં.’’ એ દૃષ્ટાંત સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયાં, અને મેં કહ્યું : “મને બીડીનું પચખાણ આપો.’ સિનેમા નાટક જોવા જેવા નથી
પછી પૂ.શ્રી બ્રહ્મચારીજીએ મને પૂછ્યું : “સિનેમા નાટક જુઓ છો?” ત્યારે મેં કહ્યું, “હા, જોઉં છું.” ત્યારે મને કહ્યું : “એમાં પાઠ ભજવનારા (એક્ટરો) વગેરે દારૂડિયા અને કુશીલ હોય છે. એમનો શબ્દ પણ સાંભળવા જેવો નથી, મોઢું પણ જોવા જેવું નથી. એને જોતાં, એનો વિચાર કરતાં મરણ થાય તો કુગતિએ જવું પડે.” એ સાંભળી મેં સિનેમા અને નાટકના પણ પચખાણ લીધા હતા.