________________
શ્રી મણિબેન શનાભાઈ માસ્તર
અગાસ આશ્રમ (શ્રી કમુબેન શનાભાઈ માસ્તરે જણાવેલ)
તમારો જવાબ બરાબર છે એકવાર સાધ્વીઓએ મારા બા મણીબેનને પૂછ્યું કે તમારા અગાસમાં શ્રીમદ્જીને પચ્ચીસમાં તીર્થકર માનો છો ને? મારા બાએ કહ્યું :
અમે તો ચોવીશ તીર્થકર માનીએ છીએ. પચ્ચીસમાં તીર્થકર હોતા જ નથી તો શું માનીએ. તે સાંભળી તેઓ ચુપ થઈ ગયા. પછી બા આશ્રમમાં આવ્યા ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીને આ વાત કરી ત્યારે તેમણે કહ્યું : તમારો જવાબ બરાબર છે.
આત્મા જાગૃત છે માટે સંસ્કાર પડે
મારા બા ભક્તિમાં જાય ત્યારે અમને ઘરમાં પૂરી દે. બહાર તાળું મારીને જાય. તે વખતે વીનું એક વર્ષનો અને હું ચાર વર્ષની હતી. એક વાર પૂ. શ્રી બ્રહ્મચારીજીએ મારા બાને કહ્યું : એમ નહીં કરવું, સાથે લઈને જવું. બા બોલ્યા એ તો ઘરે ઊંઘી જાય. અહીં પેશાબ વગેરે કરે માટે નથી લાવતી. ત્યારે બ્રહ્મચારીજીએ કહ્યું : પેશાબ કરાવીને લાવવા અને જરૂર પડે તો પેશાબ કરવા લઈ જવા. ભક્તિમાં અવાજ ન કરે તો સાથે લાવવાં. ભલે સૂઈ રહે. બા કહે એ તો ઊંઘી જાય, પછી શું સાંભળે? ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કહ્યું : આત્મા તો જાગૃત છે માટે સંસ્કાર પડે.
ઝાડને પથરો મારવો નહીં શાંતિસ્થાનની પાછળ મોસંબીનું એક ઝાડ હતું. ત્યાં મેં અને મારા ભાઈ વિનુએ મોસંબી લેવા ઝાડને પથરો માર્યો. ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ઉપરથી જોઈ લીધું અને અમને કહ્યું : ઝાડને મારવું નહીં હોં! આપણને વાગે તેમ એને પણ દુઃખ થાય.
લાખ રૂપિયા થાય કે પછી રળવું નહીં
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ મારા બાપુજીને કહેલું કે એક લાખ રૂપિયા થાય કે તમારે પછી કંઈ રળવું નહીં. એમ પરિગ્રહ પરિમાણ કરાવ્યું હતું.
વિનુ કે મોતી બેયને સરખા ગણવા
એકવાર મારા બાપુ શનાભાઈ કાવિઠે જવાના હતા. એ વાત પૂ.શ્રી બ્રહ્મચારીજીને કરી. ત્યારે તેમણે કહ્યું : “વિનુ હોય કે મોતી હોય બેયને સરખા ગણવા.” વિનું મારો ભાઈ અને મોતીભાઈ મારા બાપુન મોટાભાઈ. પછી બાપુ કાવિઠા ગયા ત્યારે મોતી કાકાએ લાકડી હાથમાં લીધી અને કહ્યું : આ ઘર અને જમીન બધું મને આપી દે. નહીં તો આ લાકડી અને તું. બાપુજીને પૂ.શ્રી બ્રહ્મચારીજીની વાત યાદ આવી ગઈ અને કહ્યું : આ ઘર અને જમીન બધું તારું; મારે કશું જોઈતું નથી. તરત ઝગડો શમી ગયો અને કષાયના કારણો મટી ગયાં.
૧૧૩