________________
કહેવાય. બાકી સાધર્મિકને વિનંતિપૂર્વક બોલાવીને ભક્તિ કરીએ એ લાલચ આપી ન કહેવાય. લોકો ખાવાના લાલચુ નથી હોતા પણ રાંધવાનું અને પ્રસંગે હાજર રહેવાનું એ બે વસ્તુ સાથે ન ફાવે. તમે તેમની જવાબદારી ઓછી કરો તો તેઓ તમારા પ્રસંગ ઉપર હાજર રહેશે જ. લોકોને ભેગા કરવા છે, પણ તે આપણું નામ ગજાવવા માટે નહિ, લોકોના હૈયામાં શાસન વસાવવા માટે કરવા છે. પહેલાં હૈયામાં પોતે શાસન પ્રત્યે બહુમાન કેળવે, પછી બોલાવે. જેને આમંત્રણ આપો તેને કહી જ દેવાનું કે તમે ઘરે રસોડું બિલકુલ બંધ રાખજો. છોકરાઓનું સ્કૂલનું ટિફિન પણ અહીંથી જશે અને નોકરચાકર પણ અહીં જ જમશે.
સ૦ આના માટે તો ઘણી ઉદારતા કેળવવી પડે, તો જ શક્ય બને.
આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે ઉદારતા એ ધર્મસિદ્ધિનું પહેલું લિંગ છે. એક વાર ઉદારતા કેળવો તો જ ધર્મ પરિણામ પામશે. શ્રાવક, ધર્મમાં જ નહિ સંસારમાં પણ ઉદાર હોય. શ્રાવકની ઉદારતા તો એવી હોય કે કોઇ પણ જગ્યાએ ભાવતાલ ન કરે. માત્ર ધર્મ માટે જ નહિ, પોતાની જરૂરિયાત માટે પણ કોઇને કસે નહિ. તમને ઘરાક કેવો ગમે ? ભાવતાલ કરે તેવો કે ભાવતાલ ન કરે એવો ? ઘરાક ભાવતાલ ન કરે તો ગમે અને તમે ભાવતાલ કરો - એ ચાલે ? આપણને જે ગમે નહિ તેવું વર્તન આપણે ન કરવું. મફતનું ખાવાની અને ઓછી મહેનતે વધુ મેળવવાની વૃત્તિના કારણે આવું બને છે. આ સ્વભાવ લઇને અહીં આવે એટલે
ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૧૦૦
એ વૃત્તિ ધર્મમાં પણ આડી આવે જ. અહીં પણ ભણવા બેઠા પછી મહેનત નથી કરવી, ધૂણીને ગોખવું નથી અને બે-ત્રણ વાર ગોખીને આવડી જાય તો વધુ વાર ગોખવું નથી. એના કારણે કદાચ ગાથા આવડી પણ ગઇ હોય તોય ભુલાતાં વાર નહિ લાગે. એના બદલે ભલે મહેનત પડે પણ બરાબર ધૂણીને ગોખવું છે, સો વાર બોલવું પડે તો સો વાર બોલીશું. નિર્જરા કરવી છે ને ? તો જેટલી મહેનત કરીએ તેટલું સારું જ છે.
બાળક્રીડાનો ત્યાગ કર્યા બાદ છઠ્ઠા પ્રકાર તરીકે જણાવ્યું છે કે કોઇની પણ પાસેથી કામ લેવું હોય તો મધુર નીતિથી વર્તવું. મધુર સ્વરે, હૈયાની કૂણાશથી કહેવું. સત્તાના કેફમાં બોલીને કામ નથી કરાવવું. શ્રાવક પરિવાર લઇને બેઠો હોવાથી તેને બધા પાસેથી કામ લેવું પડે. માતાપિતા પાસે ધર્મનાં કામ કરાવે, દીકરાદીકરી પાસે વિનયનાં કામ કરાવે, નોકરચાકર પાસે ધંધાનાં કામ કરાવે. પણ આ દરેક કાર્યો સામપૂર્વકનાં વચનો દ્વારા કરાવે. માતાપિતાને ધર્મકાર્યમાં જોડતી વખતે એમ ન કહેવું કે - ‘નકામાં બેઠાં છો એના કરતાં વ્યાખ્યાનમાં જાઓ.’ ધંધામાં પણ નોકરચાકર વગેરેને અરે તુરે કહીને ન બોલાવે. સૌમ્ય ! સુંદર ઇત્યાદિ વચનોથી બોલાવીને તેને કહેવું કે – “આ પ્રમાણે કર, આ પ્રમાણે કરવાથી આ કાર્ય સુખરૂપ સારી રીતે કરેલું થાય છે.' આ રીતે મધુર સ્વરે નાનાની સાથે વ્યવહાર રાખવો. કહ્યું છે કે પ્રિય લાગે તેવાં વચનોથી સૌ ખુશ થાય છે, માટે તેવાં વચનો બોલવાં. તેમાં ય
ભાવશ્રાવકનાં છે લક્ષણો = ૧૦૧