________________
તેઓશ્રીના એક પગના અંગૂઠા જેટલું પણ રૂપ વિકર્ષી શકતા નથી. ભગવાનનો યશ તો ચારે દિશામાં ફેલાયેલો હોય છે. તેઓશ્રીની અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ સ્વરૂપ લક્ષ્મી સર્વશ્રેષ્ઠ છે. આ પહેલા ચાર ગુણ ઔદિયકભાવની વિશેષતાને જણાવનારા છે. જ્યારે બાકીના બે ક્ષયોપરામભાવની વિશેષતાને જણાવનારા છે. ભગવાને જે ચારિત્રધર્મનું પાલન કર્યું અને વીર્ય ફોરવ્યું તે ઉત્કટ કોટિનું હતું, ભગવાને કેવળજ્ઞાન પામવા જે ધર્મ આચર્યો અને જે પ્રયત્ન આદર્યો એના કરતાં અનંતમા ભાગનો ધર્મ અને પ્રયત્ન આપણને બતાવ્યો છે. આવા ભગવાન પ્રત્યે પણ બહુમાન જાગતું ન હોય તો તેનું કારણ એ છે કે ભગવાનની વાત ગમતી નથી. જો ભગવાનની વાત ગમી જાય તો ભગવાન પ્રત્યે બહુમાન જાગ્યા વિના ન રહે. આમ છતાં કોઈ વાર વ્યક્તિ પ્રત્યે બહુમાન જાગે તો વાત ગમ્યા વગર ન રહે. માટે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ અહીં 'ભગ'ના અનેક અર્થ કરવા દ્વારા સમજાવ્યું છે.
આ ભગવાને કેવળજ્ઞાનથી જોઈને જણાવ્યું છે કે - આ લોકોત્તરમાર્ગમાં પૃથ્વીકાય, અપ્કાય વગેરેથી માંડીને ત્રસકાય સુધીના છજીવનિકાયને જણાવનારું અધ્યયન છે. સાધુભગવંતને વિરાધના ટાળવાનો ભાવ હોવાથી તેમને સૌથી પહેલાં જીવનું સ્વરૂપ સમજાવ્યું છે અને શિષ્ય પણ વિરાધનાનો ભીરુ હોવાથી છજીવનિકાયનું નામ સાંભળતાં જ તરત પૂછે છે કે – તે છજીવનિકાય નામનું અધ્યયન કર્યું છે ?... આજે સાધુસાધ્વી વિહારાદિમાં ભેગા થાય તો પરસ્પર કેવી વાત કરે ? કયું ક્ષેત્ર સારું છે ? ત્યાં કેટલા લોકો આવે છે ? વ્યાખ્યાનમાં કેટલા આવે છે ? પ્રતિક્રમણમાં કેટલા આવે છે ? ગોચરીનાં ઘરો કેટલાં છે ?... આવું આવું જ પૂછે ને ? જ્યારે ભગવાનનો સાધુ તો ક્ષેત્ર માટે પૂછે તોય પરઠવવાની જગ્યા વગેરેના વિષયમાં પૂછે અને તે પણ વિરાધનાથી બચવાના આશયથી પૂછે. બાકી તો ક્ષેત્ર એક જ સારું છે - સિદ્ધક્ષેત્ર ! સંયમની સાધનામાં અનુકૂળતા કરી આપે ને મોક્ષની નજીક પહોંચાડે તે ક્ષેત્ર સારું. અહીં શિષ્યે શંકા કરતી વખતે ગુરુનાં દરેક પદોનો અનુવાદ કરીને શંકા કરી છે, માત્ર એકાદ પદ દ્વારા શંકા નથી કરી. આ રીતે તોછડા શબ્દનો પ્રયોગ ન કરતાં અનુવાદ કરીને શંકા કરવાથી ગુરુ પ્રત્યે આદરભાવ સૂચિત થાય છે. ગુરુની વાત બરાબર સાંભળીને, સમજીને પછી પ્રશ્ન પૂછ્યો છે - એ પણ આના પરથી જણાય છે. આથી ગુરુ પણ શિષ્યના વિનયભાવ અને જિજ્ઞાસાભાવને અનુરૂપ જવાબ આપે છે. શિષ્ય
(૫૦)
જો ઉદ્ધતાઇથી પ્રશ્ન પૂછે તો ગુરુ પણ તોછડો જવાબ આપે. શિષ્ય જો જિજ્ઞાસાભાવે પૂછે તો ગુરુ પણ તેની જિજ્ઞાસાનો સંતોષકારક જવાબ આપે. શિષ્યે પ્રશ્ન પૂછવા પહેલાં ગુરુના અભિપ્રાયને બરાબર સ્પષ્ટ કરીને પછી પૂછવું જોઈએ. અને ગુરુએ પણ શિષ્યના પ્રશ્નને સ્પષ્ટ કરી પછી જવાબ આપવો જોઈએ : એ જણાવવા માટે અહીં પ્રશ્નવાક્ય તથા ઉત્તરવાક્યમાં દરેક પદોનો અનુવાદ કર્યો છે. સામાનાં પદોનો અનુવાદ કરીને જવાબ આપવો તે સામા પ્રત્યેના આદરભાવને સૂચિત કરનાર છે.
અહીં જણાવે છે કે 'શ્રુતં મયા' (મેં સાંભળ્યું) આવું કહેવા દ્વારા એકાંતક્ષણિકવાદી બૌદ્ધોનું નિરાકરણ કર્યું છે. પૂ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજના વખતમાં બૌદ્ધોનું ચલણ ઘણું હતું, ઠેર ઠેર તેમનો પ્રચાર ઘણો હતો. તેથી તેમનું નિરાકરણ આ પદ વડે કર્યું છે. ભૂતકાલીન ક્રિયાનો પ્રયોગ એકાંતક્ષણિકવાદી ન કરી શકે. ‘મેં સાંભળેલું' આવો પ્રયોગ કરવા માટે કર્ત્તનું ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં અસ્તિત્વ હોવું જરૂરી છે. સાંભળનાર પહેલાં હતો અને ‘હું' તો અત્યારે પણ છું એટલે નક્કી છે કે ‘જે સાંભળનાર હોય તે જ હું છું' આવો અર્થ થયો. આ રીતે કર્તાનું અસ્તિત્વ ક્ષણથી વધારે રહેવાના કારણે એકાંતક્ષણિકવાદીનું ખંડન થાય છે.
સ૦ બૌદ્ધોનું ખંડન કરવાનું કે તેમના સિદ્ધાંતનું ?
આપણે ત્યાં ગુણ અને ગુણીને કથંચિદ્ ભેદ હોવા સાથે કથંચિદ્ અભેદ પણ છે. પાપ અને પાપીને અમુક અંશે અભેદ પણ છે તેથી પાપની જેમ પાપીનું પણ વર્જન કરવાનું જણાવ્યું છે. પાપી પ્રત્યે વ્યક્તિગત દ્વેષ કરવાની ના પાડી
છે બાકી તેનું પાપી તરીકે વર્જન કરવાનું વિધાન શાસ્ત્રમાં કર્યું છે. પાપનો દ્વેષ કરવાનો અને પાપીની દોસ્તી કરવાની એવી વાત આપણે ત્યાં નથી. આથી સમ્યક્ત્વના સડસઠ બોલમાં પરદર્શનીનો સંગ છોડવાનું જણાવ્યું છે.
અણીશુદ્ધ ધર્મ આરાધવાની શરૂઆત કેવી રીતે કરવી – તે આ અઘ્યયનમાં જણાવ્યું છે. દેશવિરતિ ધર્મ કારણસ્વરૂપ છે જ્યારે સર્વવિરતિ ધર્મ કાર્યસ્વરૂપ છે – એટલું સમજાય તો સર્વવિરતિના ઇરાદે દેશિવરિત આરાધવાનું બને. એક વાર ભગવાનના વચન પર બહુમાન જાગે તો આ ધર્મની આરાધના સુકર છે. પરંતુ
(૫૧)